75 ટકા કેસમાં બાળકોનું મોત
બાળકોમાં લક્ષણ દેખાતા જ ડૉકટર પાસે તુરંત સારવાર લેવી: પાણી ભરાતા સ્થળે દવાનો છંટકાવ કરવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસે ઉથલો માર્યો છે. બાળકોમાં મોત થયા છે. સેન્ડ ફલાય નામની માખીથી આ વાયરસ ફેલાય છે. સામાન્ય રીતે ગામડાઓનાં વધુ કેસ જોવા મળ્યા છે. સેન્ડ ફલાય કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા રેતી, પાણી ભરેલ જગ્યાએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ વાયરસના કારણે ભેજનું પ્રમાણ વધે છે અને ઠેર ઠેર પાણી ભરાય છે. સેન્ડ ફલાય સામાન્ય મચ્છરથી ચાર ગણા નાના હોય છે.
9 માસથી લઈ 14 વર્ષનાં બાળકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં બાળકોને પ્રાથમિકતામાં તાવ આવે છે. ઝાડા, ઉલ્ટી, માથુ દુ:ખવું અને છેલ્લે આ વાયરસ મગજ સુધી અસર કરે છે. જેને કારણે બાળકને આંચકી આવે છે અને મૃત્યુ પામે છે. લક્ષણની શરૂઆત થયાના 72 કલાકમાં બાળક મોતને ભેટે છે. આ વાયરસની અસર જાણવા ખાસ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તેનો રીપોર્ટ આપવામાં 15 દિવસ જેવો સમયગાળો લાગે છે. પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે. ચાંદીપુર વાયરસના સૌથી વધુ કેસ બાળકોમાં જોવા મળ્યા છે. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોય છે. આથી બાળકને સેન્ડ ફલાય કરડતા જ તેની અસર બાળકોમાં જોવા મળે છે. 14 વર્ષથી ઉપરના લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધુ હોય છે. આથી મચ્છરના કરડયા બાદ પણ તેના પર વાયરસની અસર જોવા મળતી નથી.
આ વાયરસ ઈન્ફેકશનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફલાય વાહક જવાબદાર છે. ચાંદીપુરા વાયરસની દવા નથી પરંતુ લક્ષણ મુજબ ડોકટર પ્રાથમિક દવા આપે છે. જેમ કે તાવ, ઝાડા, ઉલ્ટીની સામાન્ય દવા આપવામાં આવે છે. પરંતુ 72 કલાકમાં આ વાયરસ ઘાતક બની જાય છે અને બાળક મૃત્યુ પામે છે. 75 ટકા કેસમાં બાળક બચી શકતું નથી. શ્વાછોસ્વાસની તકલીફ થાય અને બ્લડ પરીવહન સામાન્ય રહેતું નથી. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોવાથી વાયરસથી ઝડપથી ચપેટમાં લઈ લે છે. હાલ બાળકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત ડોકટર પાસે સારવાર લેવી.
- Advertisement -
બાળકો માટે માતા-પિતાએ શું ધ્યાન રાખવું
ચાંદીપુરાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બાળકોને આ વાયરસથી બચાવવા પાણી ભરેલી જગ્યા, રેતીના ઢગલા પડેલા હોય તે જગ્યાએ જવા દેવું નહીં. ગાર્ડનમાં ખાસ કરીને ઝાડી-ઝાખરા વાડી જગ્યાએથી બાળકોને દુર રાખવા અને બાળકોને સોસ્ચરાઈઝ લગાડી દેવું અને શરીર ઢકાય જાય તેવા કપડા પહેરાવવા, જેથી બાળકો વાયરસથી બચી જાય.
બાળકોને પાણીવાળી જગ્યાએથી દુર રાખવા: ડૉકટર
હોમ બેબીકેર હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત ડોકટર ડો. સ્વામી પોપટ જણાવે છે કે આ વાયરસ 60 વર્ષ જુનો છે. સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરામાં જોવા મળ્યો છે. આ પ્રથમવાર નથી જયારે વાયરસ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હોય આ પહેલા પણ કેસ સામે આવ્યા હતા. પરંતુ ચોકકસ સમય સુધી વાયરસ રહે છે. અત્યાર સુધી આ વાયરસે વિકરાળ સ્વરૂપ લીધુ નથી. અત્યાર સુધીમાં ભારતભરમાં 350 જેટલા કેસ નોંધાયા છે.