કાલની સિન્ડિકેટમાં ‘મંજૂર-મંજૂર’ના નારા સાથે લાગતા-વળગતાઓની કોલેજોને થશે નવા કોર્ષની લ્હાણી!
છેલ્લી ઘડીએ એજન્ડા જાહેર કરવા પાછળનું કારણ શું? સિન્ડિકેટ સભ્યોનું અકળ મૌન!
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીની મનમાની અને એકચક્રી શાસનના વધુ એકવાર કાલે શુક્રવારે મળનારી સિન્ડિકેટની બેઠકમાં દર્શન થશે, અને ‘મંજૂર-મંજૂર’ના નારા સાથે રાજકીય ગઠબંધન ધરાવતાં વગદાર લોકોની કોલેજોને નવા કોર્ષની લ્હાણી કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચાય રહ્યું છે. સિન્ડિકેટની બેઠક ક્યારે મળનાર છે, તે બાબતે સિન્ડિકેટ સભ્યોને 14 દિવસ પહેલાં નોટીસ આપવાની હોય છે અને જે બાબતની ચર્ચા-વિચારણા કરવાની હોય તેનો એજન્ડા આઠ દિવસ પહેલાં આપી દેવો પડે છે જેથી સિન્ડિકેટ સભ્યો આ બાબતે યોગ્ય અભ્યાસ કરી જરૂરી રજૂઆતો કરી શકે, પણ કાલે શુક્રવારે મળનાર બેઠકનો એજન્ડા નિયમ મુજબ પહેલેથી ન આપીને બેઠકમાં લાગતા વળગતાઓને નવા કોર્ષ ફાળવવા સહિતની દરખાસ્ત વિરોધ વગર પસાર કરી લેવાનો તખ્તો ગોઠવવામાં આવ્યાનું ચર્ચાય છે.
આ પહેલાંની સિન્ડિકેટની બેઠકમાં પણ આવો જ ખેલ પાડવામાં આવ્યો હતો અને તે સમયે પણ વિરોધના સૂર ઉઠ્યા હતા. પણ પોતાની મનમાની કરવામાં માહેર કુલપતિ ડો. ભીમાણી કોઈને ગણકારતા જ ન હોય તેમ ફરીવાર આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે તેનું કારણ રાજકીય રીતે વગદાર લોકોની કોલેજને નવા કોર્ષ ફાળવી દેવાનું હોવાનું સંભળાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યો સર્વોપરી ગણાય છે. મોટાભાગના સિન્ડિકેટ સભ્યોની યેનકેન કારણોસર બાદબાકી કરી નાખવામાં આવી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ સભ્યો બાકી રહ્યાં છે તેઓ ક્યા કારણોસર મૌન છે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે, ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીની કામગીરી પણ શંકાના દાયરામાં છે.
- Advertisement -
ડો. ભીમાણી અમાંથી A ગ્રેડ બનેલી સૌ.યુનિ.ને B ગ્રેડ બનાવીને છોડશે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગિરીશ ભીમાણીની નિયુક્તિ થઈ છે ત્યારથી યુનિવર્સિટીનું વહિવટી અને શૈક્ષણિક તંત્ર ખાડે ગયું છે. પોતાના લાગતા-વળગતાઓને લાભ ખટાવવાની ઓળખ ધરાવતા ડો. ભીમાણીની કામગીરીથી યુનિવર્સિટી સંલગ્ન સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજ સુધીમાં ડો. ભીમાણીએ આપખુદશાહીથી લીધેલા એકપણ નિર્ણય વિદ્યાર્થીહિતમાં નથી એટલું જ નહીં તેમના દરેક નિર્ણયોની ટિકા પણ થઈ છે અને કૌભાંડની આશંકા પણ સેવાઈ રહી છે ત્યારે એ ગ્રેડમાંથી બી ગ્રેડ બનેલી સૌ.યુનિ.ને ડી ગ્રેડ બનાવવાનું જાણે ઇન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીએ નક્કી કરી લીધું હોય તેવું તેમની કામગીરીથી લાગી રહ્યું છે!
નીડ કમિટિની રચના વગર જ લાગતા-વળગતાઓને ગોઠવીને બનાવી દેવાય છે એલ.આઈ.સી.
નવી કોલેજ કે નવા કોર્ષની મંજૂરી પહેલાં એક નીડ કમિટિ બનાવવામાં આવે છે જે તમામ પાસા-નિયમોની સમીક્ષા કર્યા બાદ રિપોર્ટ આપે છે, પણ વગદાર કોલેજોને સાચવવા માટે આ નીડ કમિટિનો છેદ ઉડાડી દઈને લાગતા-વળગતાઓને ગોઠવીને લોકલ ઈન્કવાયરી કમિટિની રચના કરી તરફદારી કરતો રિપોર્ટ મેળવી લેવામાં આવે છે અને આ રિપોર્ટના આધારે નવા કોર્ષ કે કોલેજોને મંજૂરી આપી દેવાય છે. આ પહેલાં મળેલી એકેડેમીક કાઉન્સીલ અને બોર્ડ ઓફ ટીચિંગ (બીયુટી)ની બેઠકમાં 16 જેટલી નવી કોલેજો, 60થી વધારે નવા કોર્ષ સહિત મોટી સંખ્યામાં ચાલુ જોડાણોને કોઈ જ ચર્ચા વગર મંજૂર કરી દેવામાં આવ્યા હતા. આવતીકાલની સિન્ડિકેટ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના વગદાર લોકો સાથે જોડાયેલાઓની કોલેજોના નવા કોર્ષને મંજૂરી આપી દેવામાં આવનાર હોવાનું ચર્ચાય છે.