સૈનિક સંગઠનના પ્રમુખ નિમાવતને 30 મિનિટમાં છોડવા અલ્ટિમેટમ, સવારથી ચાલતા આંદોલનમાં મામલો બિચક્યો: બે કિ.મી. સુધી ચક્કાજામ થયો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈ ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે(19 ઓગસ્ટ, 2025) 23મો દિવસ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ‘ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન’ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલાં પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. આ આંદોલનમાં સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી. ઉુજઙએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી. ગાંધીનગરમાં પોલીસે અટકાયત કરતા તેમને છોડાવવા માટે બપોર પછી અઢી વાગ્યા આસપાસ આક્રોશમાં આવેલા 1000-1500 પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજના રસ્તા રોકી લીધા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેક્ટર 2, ડીસીપી, એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો હતો. પૂર્વ સૈનિકોએ માંગ કરી છે કે ગાંધીનગર ખાતેથી જે જે પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેઈન કર્યા છે. જ્યાં સુધી તેમના નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેમજ ચીમકી ઉચ્ચારી છે કે, પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને છોડવામાં ન આવે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. 30 મિનિટમાં નિર્ણય ન લેવાય તો આંદોલન ફરીથી શરૂ થશે. શરૂઆતમાં એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બે કિ.મી. સુધીનો ટ્રાફિક જામ થયો હતો.