‘લોક સંસદ વિચાર મંચ’ દ્વારા તારીખ 12/09/2025થી ગુનો દાખલ કરવા માંગ; સરકારી વાહન અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ દોડ્યું હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર લીલુબેન જાદવને પ્રજાના ખર્ચે અપાયેલી મોટરકારની સુવિધાના દુરુપયોગ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. લોક સંસદ વિચાર મંચના મોભી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ અને નાગજીભાઈ વિરાણીએ સંયુક્ત યાદીમાં આક્ષેપ કર્યો છે કે આ મોટરકાર જન સેવાના બદલે અંગત કામો માટે, ખાસ કરીને અંબાજી, દ્વારકા, સોમનાથ અને ડાકોર સહિતના ધાર્મિક વિસ્તારોમાં ફરી હતી.
લોક સંસદ વિચાર મંચ દ્વારા તારીખ 12/09/2025 ના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના અનુસંધાનમાં અરજદાર દિલીપભાઈ આસવાણીનું નિવેદન લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી તરફથી અરજી નિકાલ કર્યા અંગેની લેખિત જાણ કરવામાં આવી હતી.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ. એસ. પારગીએ જણાવ્યું હતું કે, આ બાબત રાજકોટ મહાનગરપાલિકા હેઠળની હોય, તેથી યોગ્ય પુરાવા સાથે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવી.
મંચે આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર દ્વારા ઋઈંછ કરવાની અને ગુનો દાખલ કરવાની બાબતને બદલે અરજીનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે અને શાસક પક્ષના નેતાને ’ક્લીન ચીટ’ આપી દેવાઈ હોય તેવું જણાય છે.
લોક સંસદ વિચાર મંચે માંગ કરી છે કે પોલીસ તંત્ર જજની ભૂમિકા ભજવવાનું બંધ કરે અને યોગ્ય તપાસ કરે. આ ઉપરાંત, લોગબુકની નોંધ અને ડ્રાઈવરનું નિવેદન લઈ લોગબુકના કિલોમીટરના આધારે બજાર મુજબના ભાડાની રકમની રિકવરી કરવી જોઈએ. મહાનગરપાલિકા કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા, આ પ્રશ્ર્ન હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવા માટે તારીખ 10/12 ના રોજ જિલ્લા કલેકટર કચેરીમાં અરજી આપવામાં આવી છે. મંચે ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો લીગલ અભિપ્રાય મેળવી કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે.



