ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં બનતા શરીર કે મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્યરત હોય તે દરમિયાન એલસીબી ટીમે મોરબીમાં ગત વર્ષે થયેલ ચકચારી મમુ દાઢી હત્યા પ્રકરણમાં ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને બાતમીને આધારે લીલાપર ચોકડી પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગત તા. 8 સપ્ટેમ્બર 2021 ના રોજ મોરબીના ભક્તિનગર બાયપાસ નજીક આવેલ નવા સીટી મોલ પાસે જૂની અદાવતમાં પીસ્તોલ સહિતના હથિયારો વડે અંધાધૂંધ ફાયરિંગ કરી નામચીન મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં તપાસ દરમિયાન સંગઠીત ગુના આચરતી ટોળકી તળેનો ગુનો બનેલ હોય જેથી આ કામે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (ગુજસીટોક) એકટની કલમ ઉમેરવામાં આવી હતી. આ કામે કુલ 18 આરોપીઓની સંડોવણી ખુલી હતી જેમાં તપાસ દરમિયાન કુલ 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે તમામ વિરૂધ્ધ સ્પેશિયલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જશીટ કરવામાં આવી હતી જેમાં ચાર આરોપીઓ નાસતા ફરતા હોય જેઓને પકડવા માટે નામદાર કોર્ટ તરફથી વોરંટ મેળવીને ચારેય આરોપીઓને પકડવા મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવવામાં આવી હતી.