જરૂર જ ન હોવા છતાં લાખોનાં ખર્ચે પોતાની ઑફિસનું રિનોવેશન
કોઈ પૂછવાવાળું નથી, કોઈ કહેવાવાળું નથી: શહેર ભાજપનાં નેતાઓની પગચંપી કરો અને જલ્સા કરો!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
એક તરફ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવાદ પૂરા નથી થઈ રહ્યા અને બીજી તરફ ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર પોતાના વ્યક્તિગત સ્વાર્થ પૂરા કરવામાં રચ્યાપચ્યા છે. હાલ બે મહિનાથી શિક્ષણ સમિતિમાં ચેરમેનની ઑફિસનું બિનજરૂરી રિનોવેશન કરીને કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા કમાવી તેમાંથી કમિશન કટાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની ચર્ચા શિક્ષણ સમિતિમાં જ જોરશોરથી ચાલી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ શિક્ષણ સમિતિમાં એકમાત્ર ચેરમેન પુજારાની જ ઑફિસને વિના કારણે તોડીને નવી બનાવવામાં આવી રહી છે. લાખોના ખર્ચે બની રહેલી ઑફિસને રિનોવેશનની જરૂર જ ન હતી છતાં તેમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આ કામગીરી પાછળ કોન્ટ્રાક્ટરને લાખોનું બિલ ચૂકવી તેમાંથી કમિશન મેળવવાનું આખું ષડયંત્ર રચાયા હોવાની ચર્ચા છે.
- Advertisement -
નોંધનીય છે કે, શહેરભરમાં શિક્ષણ સમિતિની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યાં રિનોવેશનની તાતી જરૂર છે પરંતુ શિક્ષણ સમિતિમાં ચેરમેન પુજારા અને શાસનાધિકારી પરમારે બિનજરૂરી રીતે સરકારી ખર્ચ કરી એકલા ચેરમેનની ઑફિસમાં જ રિનોવેશન કરાવી રહ્યા હોવાની ઘટનાએ દાળમાં કંઈક કાળું હોવાની બાતમી આપી દીધી છે.
ચેરમેન પુજારા સહિતનો સ્ટાફ હાજર રહેતો નથી તો પછી
નવી કે જૂની ઑફિસનું કામ શું?
રાજકોટ શિક્ષણ સમિતિની કચેરીનું બાંધકામ નવું છે, અહીં ક્યાંય પણ રિનોવેશનની જરૂર જણાતી ન હતી છતાં છેલ્લાં બેક મહિનાથી ચેરમેનની ઑફિસ તોડીને લાખોના ખર્ચે આખી નવી બનાવવામાં આવી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, શિક્ષણ સમિતિમાં મોટાભાગે ચેરમેન પુજારા સહિતનો સ્ટાફ હાજર રહેતો નથી. ત્યાં આવતા મુલાકાતીઓ અને અરજદારોને પણ ધરમના ધક્કા થાય છે, ઉડાઉ જવાબો મળે છે ત્યારે જો ચેરમેનને પોતાની ઑફિસમાં હાજર રહી પારદર્શી અને પ્રામાણિક વહિવટ ન કરવો હોય તો ઑફિસ નવી હોય કે જૂની શું ફર્ક પડે છે? શા માટે લાખોનો ખર્ચ કરી બિનજરૂરી રીતે નવી ઑફિસ બનાવવામાં આવી રહી છે?