રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં અધિકારીઓની ડિજિટલ વ્યસ્તતા ચર્ચાનો વિષય
જયમિન ઠાકર શહેરના વિકાસની ચર્ચા કરતા રહ્યા અને અધિકારીઓ મોબાઇલમાં જ સતત વ્યસ્ત રહ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક દરમિયાન આજે એક અજીબોગરીબ અને ચર્ચાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. શહેરના વિકાસકાર્યો અને અગત્યના વહીવટી મુદ્દાઓ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા મહત્વપૂર્ણ વક્તવ્ય આપવામાં આવી રહ્યું હતું, ત્યારે પાછળ ગેલેરીમાં બેઠેલા અનેક ઉચ્ચ અધિકારીઓ પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
જનરલ બોર્ડની બેઠક સામાન્ય રીતે નીતિગત નિર્ણય, શહેર વિકાસ, બજેટ, તેમજ પ્રજાસંબંધિત પ્રશ્નો પર ચર્ચા માટેનું મહત્વપૂર્ણ મંચ માનવામાં આવે છે. આવી બેઠકમાં જ્યારે ચૂંટાયેલા પદાધિકારી મુદ્દાસર રજૂઆત કરતા હોય, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ સૂચનો સાંભળવા અને જરૂરી નોંધ લેવા આવશ્યક માનવામાં આવે છે. પરંતુ આજની બેઠકમાં દૃશ્ય કંઈક અલગ જ રહ્યું. ચેરમેન જયમીનભાઈ ઠાકર શહેરના વિવિધ વિકાસપ્રકલ્પો, બાકી રહેલા કામો અને આગામી આયોજન અંગે બોર્ડને સંબોધી રહ્યા હતા, ત્યારે ગેલેરીમાં બેઠેલા લાઈન ઓફિસરોથી લઈને અનેક ઉચ્ચ અધિકારીઓ સતત મોબાઈલ સ્ક્રીન પર નજર રાખીને બેઠા હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું.
આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અને નાગરિકોમાં ચર્ચા તેજ બની છે. લોકશાહીના મંદિરમાં જ્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્ર્નો, નીતિગત મુદ્દાઓ અને શહેરના વિકાસ માટે દિશા નિર્ધારિત કરતા હોય, ત્યારે જવાબદાર અધિકારીઓનું આવું ઉદાસીન વલણ ટીકાપાત્ર ગણાયું છે.
વિપક્ષના સૂત્રોએ પણ આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે જો બોર્ડ બેઠક જેવી અગત્યની પ્રક્રિયામાં અધિકારીઓ આટલી બેદરકારી દાખવે છે, તો પ્રજાના દૈનિક કામકાજ પ્રત્યે તેમની ગંભીરતા અંગે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉભા થાય છે. સામાન્ય નાગરિકોમાં પણ એવી ચર્ચા ઉઠી છે કે વહીવટી તંત્રએ પોતાની જવાબદારી અને પ્રોટોકોલનું પાલન કરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના વક્તવ્યને ગંભીરતાથી સાંભળવું જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે મહાનગરપાલિકાની અંદરથી કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શિકા બહાર પડે છે કે નહીં.



