મુખ્યમંત્રી એન બિરેન સિંહનો દાવો- ભાજપને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર લેશે
મણિપુર માટે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર નિવેદન આપતા બિરેન સિંહે કહ્યું કે, ‘મુખ્યમંત્રી પદ કેન્દ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે; અને મારું કર્તવ્ય ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.’
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગઈકાલે દાવો કર્યો કે, ‘ભારતીય જનતા પાર્ટી મણિપુરમાં બે તૃતિયાંશથી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા અંગે નિર્ણય કરશે.’
- Advertisement -
ANI સાથે વાત કરતા બિરેન સિંહે કહ્યું કે, ‘ભાજપ તમામ 60 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. કેન્દ્રીય નેતૃત્વ ટિકિટને ફાઇનલ કરી રહ્યું છે. અગાઉ અમને 21 બેઠકો મળી હતી, આ વખતે અમને બમણી બેઠકો મળશે. અમે બે તૃતીયાંશ બહુમતી માટે સખત મહેનત કરી રહ્યા છીએ.’
મણિપુરના મુખ્યપ્રધાને કહ્યું કે, ‘ભાજપનું કોઈપણ પક્ષ સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધન નથી, પરંતુ ચૂંટણી પછી તે આ અંગે વિચારશે. અન્ય પક્ષોના રાજકીય નેતાઓ ભાજપમાં જોડાવા વિશે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો ભાજપને ઈચ્છે છે અને તેથી ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એમ પણ કહ્યું કે તેમને ચૂંટણીની ટિકિટ મળશે કે નહીં, તે સંપૂર્ણ રીતે સંસદીય સમિતિ પર નિર્ભર છે.’
મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ‘પૂર્વોત્તર ભારત અગાઉ અશાંતિમાં હતું, કારણ કે કોંગ્રેસે લોકોને સમુદાયોમાં વહેંચી દીધા હતા. ભાજપના શાસનમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ હડતાલ, લડાઈ કે સાંપ્રદાયિક વિસંગતતા જોવા મળી નથી. તેમણે કહ્યું કે, મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી તેઓ ભાજપને પાછી ઈચ્છે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર પાયાના સ્તરે કામ કરવામાં સક્ષમ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને લોકો ઇચ્છે છે કે શાંતિ બની રહે.’
- Advertisement -
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મણિપુરના લોકો ઇચ્છે છે કે આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ પાછો ખેંચી લેવામાં આવે, પરંતુ આવું કરતા પહેલા જમીની વાસ્તવિકતાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે, રાજ્ય મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. અમે કેન્દ્રને સતત સ્થિતિની સમીક્ષા કરવા કહી રહ્યા છીએ, પરંતુ તેને ઉઠાવતા પહેલા આપણે જમીની વાસ્તવિકતા જોવી પડશે કારણ કે, આપણા સૌ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતા છે.’