ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ધોરણ 1માં પ્રવેશ માટેની લઘુતમ ઉંમર 6 વર્ષ કરવાનો આદેશ આપ્યો છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
નવી શિક્ષણ નીતિ (એનઇપી)ના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશન સ્ટેજમાં તમામ બાળકો (3થી 8 વર્ષની વચ્ચે) માટે પાંચ વર્ષ શીખવાની તકો સામેલ છે જેમાં ત્રણ વર્ષ પ્રિ પ્રાયમરી અને ત્યારબાદ ધો. 1 અને ધો. 2નો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ નીતિ આ રીતે પ્રિ સ્કૂલથી ધો. 2 સુધીના બાળકોને સહજ શિક્ષણ અને વિકાસને વેગ આપે છે. આ ફક્ત આંગણવાડીઓ અથવા સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી અને એનજીઓ સંચાલિત પ્રિસ્કૂલ કેન્દ્રોમાં ત્રણ વર્ષના ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ શક્ય બની શકે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શિક્ષણ નીતિ અનુસાર પ્રવેશની ઉંમર નક્કી કરવા અને ધો.1માં 6 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પ્રવેશ આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એક ચુકાદામાં જણાવ્યું હતું કે બાળકોની સાયકોલોજિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને તેમને નાની ઉંમરમાં શાળાએ મોકલવા ન જોઇએ. મંત્રાલયે રાજ્યોને બે વર્ષનો ડિપ્લોમા ઇન પ્રિસ્કૂલ એજ્યુકેશન (ડીપીએસઇ) કોર્સ શરૃ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.
ધોરણ 1માં પ્રવેશ માટેની લઘુત્તમ ઉંમર 6 વર્ષ કરવા કેન્દ્રનો રાજ્યોને આદેશ
