રૂ.1.26 લાખ કરોડના પ્રોજેકટોનું બાળમરણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર તથા રાજય સરકારો દ્વારા નિયમિત રીતે જુદા-જુદા ક્ષેત્રોના વિકાસ પ્રોજેકટો હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ વિવાદોને કારણે લાંબા વખતથી અટવાયેલા 1.26 લાખ કરોડનો ખર્ચ ધરાવતા 116 પ્રોજેકટો પર પડદો પાડી દેશની તૈયારી કરવામાં આવી છે. આ 116 પ્રોજેકટોને બંધ કરી દેવામાં આવશે. તે શરૂ થયા પુર્વે જ બાળમરણ થઈ જશે.
- Advertisement -
કેન્દ્ર સરકારની થીંકટેંક સમા નીતિ આયોગ દ્વારા એક આંતરિક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં 116 પ્રોજેકટો પર પડદો પાડી દેવાનું સુચવવામાં આવ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે અનેકવિધ પ્રોજેકટ જમીન સંપાદનમાં મુશ્કેલીથી માંડીને કેન્દ્ર તથા રાજયોની સરકારો વચ્ચેના ટકરાવને કારણે લાંબા વખતથી અટવાયેલા પડયા છે અને શરૂ થઈ શકતા નથી. આ પ્રકારના વિવાદમાં અટવાયેલા પ્રોજેકટોની સંખ્યા 116 છે અને તેના પર 1.26 લાખ કરોડનો ખર્ચ થવાનો હતો.
વિવાદોનો ઉકેલ આવવાનું મુશ્કેલ માલુમ પડતુ હોવાના કારણોસર કાયમી પડદો પાડી દેવાનો વિકલ્પ જ શ્રેષ્ઠ હોવાની નીતિ આયોગ દ્વારા ભલામણ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે આ પ્રોજેકટો પાછળનો કુલ મૂડી ખર્ચ 20311 કરોડ થવાનો હતો. નીતિ આયોગની ભલામણના આધારે કેન્દ્ર સરકારે પણ આ દિશામાં વિચારણા શરૂ કરી છે.