આ જ મહિને બિલ પસાર થવાની શક્યતા
આ ભારતની કરોડો મહિલાઓની આશાની ઝલક: ઙખ મોદી
- Advertisement -
સીમાંકન કાયદામાં સુધારા માટે સરકાર દ્વારા અલગ બિલ લાવવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકો હાલની 543થી વધારીને 816 કરવામાં આવશે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
સરકારે બજેટ સત્રને લંબાવીને 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં આ સુધારા બિલને પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો 31 માર્ચ 2029થી લાગુ પડશે.
તે જ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમ વખત પ્રભાવી થશે. પ્રસ્તાવ મુજબ અનામત ‘વર્ટિકલ’ આધાર પર લાગુ પડશે, એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં પણ મહિલાઓ માટે હિસ્સો નક્કી કરવામાં આવશે.
પીએમ મોદીએ આ બિલ અંગે પોતાની વેબસાઇટ પર એક આર્ટિકલ પ્રકાશિત કર્યો છે, જેમાં તેઓ લખે છે કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત ફેરફારો ફક્ત કાનૂની બાબત નથી, પરંતુ ભારતભરની લાખો મહિલાઓની આશાઓની ઝલક છે.
તેમણે તમામ સાંસદોને આ પગલાને સમર્થન આપવા માટે એક સાથે આવવા અપીલ કરતા કહ્યું કે, સંસદે, બધા પક્ષોથી આગળ વધીને, ભારતની મહિલાઓ માટેના આ મહત્વપૂર્ણ પગલાના સમર્થનમાં એક થવું જોઈએ.
રાજ્યોની વિધાનસભાઓમાં પણ આ જ પ્રમાણમાં બેઠકોનું આરક્ષણ થશે. સરકાર એક બંધારણીય સુધારા બિલની સાથે-સાથે સીમાંકન કાયદામાં સુધારા માટે અલગ સામાન્ય બિલ પણ લાવશે. જેથી નવેસરથી બેઠકોનું નિર્ધારણ થઈ શકે. નવી બેઠકોનું નિર્ધારણ 2027ની વસ્તી ગણતરીને બદલે 2011ની વસ્તી ગણતરીના આધારે કરી શકાય છે. આ કાયદો રાજ્યોની વિધાનસભાઓ અને દિલ્હી, જમ્મુ-કાશ્ર્મીર, પુડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લાગુ કરવામાં આવશે.
- Advertisement -
મહિલા અનામત પછી UPમાં સૌથી વધુ 40 બેઠકો વધશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અનામત પછી યુપીમાં સૌથી વધુ 40 લોકસભા બેઠકો વધશે. 80થી વધીને 120 થઈ જશે. મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે 24 બેઠકો અનામત થઈ જશે. અહીં લોકસભાની બેઠકો 48થી વધીને 72 થઈ જશે. રિપોર્ટ્સ મુજબ બિહારમાં મહિલા બેઠકોની સંખ્યા 20 થઈ શકે છે. અહીં કુલ બેઠકો 40 થી 60 સુધી પહોંચી શકે છે. એમપીમાં 15 મહિલા અનામત બેઠકો વધી શકે છે. તમિલનાડુમાં 20 અને દિલ્હીમાં 4 એટલે કે મહિલા બેઠકો હશે. ઝારખંડમાં 7 મહિલા અનામત બેઠકો વધવાનો અંદાજ છે.



