હજારોની સંખ્યામાં ભૂદેવોની હાજરી: સમસ્ત બ્રહ્મ સમાજને મજબૂત બનાવવાની હાકલ કરતાં દિપક ભટ્ટ
ખાસ ખબર સંવાદાદાતા
- Advertisement -
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુનારાયણના અંશાવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન શ્રી પરશુરામજીના પ્રાગટ્ય દિન નિમિત્તે માધાપર સ્થિર ઈશ્વરીયા મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલા ભગવાન શ્રી પરશુરામ મંદિરે સાયં મહાઆરતી અને બ્રહ્મચોર્યાસી સાથે ભગવાન શ્રી પરશુરામ જન્મ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લગભગ સાત હજાર જેટલા ભૂદેવોએ બ્રહ્મભોજનનો લાભ લીધો હતો. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવોને રાજભા ગઢવી સહિતના કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીની વીરતા વર્ણવતો સંગીતમય વીરરસ પીરસી મંત્રમુગ્ધ કર્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા યોજાયેલા આ કાર્યક્રમમાં ભુવનેશ્વરી વિદ્યાપીઠ ગોંડલના આચાર્ય પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, રામજી મંદિર ગોંડલના આચાર્ય પૂજ્ય જયરામદાસજી મહારાજે આર્શિવચન આપતાં જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પાછલા ત્રણે યુગમાં બ્રાહ્મણોએ હંમેશા ધર્મની રક્ષા કરી હતી અને કળિયુગમાં પણ બ્રાહ્મણને ત્યાં જ ભગવાન કલ્કિ અવતાર લઈ અરાજકતાનો નાશ કરી સર્વત્ર સનાતન ધર્મની સ્થાપના કરી રામરાજ્ય પુન:સ્થાપિત કરશે. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો, આયોજકો, દરેક અગ્રણીઓ સ્વયંસેવકો અને હજારોની સંખ્યામાં પધારેલા ભૂદેવભાઈઓ તથા બહેનોનો આભાર વ્યક્ત કરતાં શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના યુવા પ્રમુખ દિપક ભટ્ટે ભૂદેવોની માતૃસંસ્થા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજને આજ રીતે સાથ અને સહકાર આપી મજબૂત બનાવવા હાકલ કરી હતી.