બસસ્ટેન્ડમાંથી ચોરીના અવાર-નવાર બનતા બનાવોની ઉઠતી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જયાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, વીરપુરમાં દેશ વિદેશથી દરરોજ હજારો લાખો ભાવિકો બાપાના દર્શન કરવા માટે આવે છે, ખાસ કરીને તહેવારોમાં ભક્તોની ભીડ જામતી હોય છે ત્યારે ગણતરીના જ દિવસોમાં મહા શિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ કે સોમનાથ જતા ભાવિકો વીરપુરમાં પણ દર્શન કરવા માટે એસટી બસ કે અન્ય વાહનો લઈને આવતા હોય છે ત્યારે વીરપુરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ ત્રણ વર્ષ પહેલાં જ 2.96 કરોડની માતબર રકમના ખર્ચે બનાવવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં છેલ્લા એક વર્ષથી સીસીટીવી કેમેરા શોભના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે,જેમને લઈને બસસ્ટેન્ડ માંથી સાયકલ તેમજ બાઇક ચોરીના અવારનવાર બનાવ બનતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ તંત્ર દ્વારા 2.96 કરોડની માતબર રકમનું બનાવેલ યાત્રાધામ વીરપુરનું નવું એસટી બસ સ્ટેન્ડ જુલાઇ 2022માં ગુજરાત એસટી વિભાગ દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું છે.
પરંતુ આ બસસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા તો છે પરંતુ કેમેરાનું મોનીટરીંગ કરવા માટેનું એલસીડી ટીવી સ્ક્રિન જ નથી ! જેમને લઈને બાઇક તેમજ સાયકલચોરોને મોકરું મેદાન મળ્યું છે,વીરપુર તેમજ આજુબાજુ ગામના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વીરપુર થી જેતપુર,ગોંડલ,રાજકોટ સહીતના શહેરોમા અભ્યાસ માટે એસટી બસમાં અપડાઉન કરે છે અને અનેક લોકો પોતાના ધંધા રોજગાર માટે વીરપુર થી ગોંડલ, જેતપુર, રાજકોટ, સાપર સહિત અન્ય શહેરોમાં એસટીમાં મુસાફરી કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ પોતાની સાયકલો અને મુસાફરી કરતા લોકો પોતાની બાઇકો બસસ્ટેન્ડના પાર્કિંગ પાર્ક કરતા હોય છે પરંતુ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બનતા છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની સાયકલો અને લોકોની બાઇકોની ચોરીઓના બનાવો સામે આવ્યા છે,વિદ્યાર્થીઓની સાયકલો ચોરી થતા ઘણા ખરા વિદ્યાર્થીઓએ વીરપુર પોલીસમાં અરજીઓ કરેલ છે પરંતુ પોલીસ પણ ટીવી સ્ક્રિન વગરના સીસીટીવી કેમેરાઓનું મોનીટરીંગ કઈ રીતે કરવું! અને સીસીટીવી કેમેરાના ફૂટેજ કઈ રીતે જોવા! એ પણ સવાલ ઉભો થઇ રહ્યો છે.
વીરપુર બસ સ્ટેન્ડમાં ફિટ કરાયેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરવામાં માટે એલઇડી ટીવી સ્ક્રિન હોય તો સાયકલ અને બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરોને જોઈ શકાય અને પોલીસને પણ આવા ચોરોને પકડવા કે બસ સ્ટેન્ડમાં બનતા અન્ય અઇચ્છનીય બનાવોની વધુ તપાસ કરવામાં પણ સરળતા રહે. પરંતુ હાલ તો વીરપુરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાનું એલઇડી ટીવી સ્ક્રિન જ નથી ત્યાંરે સવાલ એ થાય છે કે બસ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ એ પણ એક મોટો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે જેમને કારણે વીરપુરના લોકો અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને તંત્ર દ્વારા સ્તવરે યાત્રાધામ વીરપુરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમરાનું મોનીટરીંગ કરવા માટે એલઇડી ટીવી સ્ક્રિન લગાવવામાં આવે અને બસ સ્ટેન્ડ માંથી સાયકલ અને બાઇકોની ચોરી કરતા ચોરોને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડીસી ઓફિસર ક્લોત્રા જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા
આ બાબતે રાજકોટ એસટી વિભાગના ડીસી ઓફિસર ક્લોત્રાને ટેલિફોનિક પૂછતાં તેમને જણાવ્યું હતું કે અમે આ બાબતે અમારી હેડ ઓફિસના ઈડીપી ડિપારમેન્ટમાં દરખાસ્ત કરેલી છે આખા ડિવિઝનમાં જ્યાં જ્યાં નવા બનેલા બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાની જરૂરિયાત છે તેની પ્રક્રિયા ત્યાંથી થવાની છે જે ટુંક સમયમાં એ લોકો બધાને પરમીશન આપશે! પરંતુ વીરપુર બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાની મોનીટરીંગ ટીવી સ્ક્રિન લગાવવાનો કેટલો સમય લાગલે વિશે પૂછતાં એ નિર્ણય મારા ઉપર હોય તો હું જણાવી શકુ કેટલો સમયમાં થઈ જશે! એવો જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા હતા.