અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રમાંથી બે આરોપીની ધરપકડ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કર્યા છે. આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.
વધુમાં ઉમેર્યું કે, રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં. હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમના હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજકોટની હોસ્પિટલના જ CCTV હોવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો?
સૌથી પહેલાં આ આપત્તિજનક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એટલે ટૂંકાગાળામાં જ ઘણા બધા લોકો સુધી પહોંચી ગઈ હતી. એક યુવકના ધ્યાને આ વીડિયો આવતાં તેના મનમાં સવાલો ઉઠ્યા હતા અને પોતાના મિત્ર સાગર પટોળિયાને વાઇરલ વીડિયો વિશે જાણ કરી હતી. સાગરે આ વીડિયો ક્યાંનો છે, કોણે અપલોડ કર્યા હોય શકે એ બાબતે તપાસ કરી પરંતુ કાંઈ ખાસ સફળતા ન મળી. આખરે સાગર પટોળિયાએ અમદાવાદ સાયબર ક્રાઇમને એક્સ (ટ્વીટર) પર ટેગ કરીને વાઇરલ વીડિયો બાબતે તપાસ કરવા ધ્યાન દોર્યું હતું.
શું છે સમગ્ર મામલો
ગુજરાતને શર્મસાર કરતી ઘટના હોસ્પિટલોમાં થતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલાઓના ચેકઅપના વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવી બતાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સગર્ભાના ચેકઅપના વીડિયો યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને રૂપિયા કમાવવાના ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હોસ્પિટલના ડોક્ટર અમિત અકબરીએ પણ મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો છે કે, હા આ વીડિયો અમારી હોસ્પિટલના છે. વીડિયો કઈ રીતે વાઇરલ થયા એ અમને ખબર નથી.