કલેકટર કંટ્રોલ રૂમ પર રૂબરૂ જઈ તપાસ કરતા રહેશે : નાની ચકરડીના 32 અને યાંત્રિક રાઈડ્સના 22 પ્લોટ
ફિટનેસ સર્ટિફિકેટ વગર એક પણ સ્ટોલને મંજુરી નહીં મળે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ લોકમેળા સમિતિ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ઓગષ્ટ માસમાં જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ ભાતીગળ લોકમેળાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળામાં આ વખતે ડ્રોનથી મેળાનું મોનીટરીંગ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત લોકમેળાના તમામ સ્ટોલમાં સીસીટીવી કેમેરા અને ફાયરના સાધનો ફરજીયાત કરવામાં આવેલ છે. ફીટનેશ સર્ટીફીકેટ વગર એક પણ રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. અત્યાર સુધી લોકમેળામાં બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ વાળાને મંજૂરી આપવામાં આવતી હતી જેમાં આ વખતે એક પ્લોટમાં એક જ રાઈડ્સને મંજૂરી આપવાનો ગઈકાલે જીલ્લા કલેકટર દ્વારા માર્ગ મકાન વિભાગ અને પ્રાંત અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ હતો. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકમેળામાં ખાણી-પીણી, રમકડા સહિતના કુલ 355 પ્લોટ રાખવામાં આવેલ હતા. આ વખતે તેમાં 36 સ્ટોલનો ઘટાડો કરવામાં આવેલ છે.
આવી જ રીતે નાના ચકરડીના પ્લોટની સંખ્યા 52થી ઘટીને 32 થશે. જયારે ઈ, એફ, જી-1, જી-2 અને એચ કેટેગરીના યાંત્રિકના 22 પ્લોટ રહેશે. ગત વર્ષે આ પ્લોટની સંખ્યા 44ની હતી. ગત વર્ષે રમકડાના 178, ખાણી-પીણીના 14, મધ્યમ ચકરડીના 4, નાની ચકરડીના 28, અન્ય નાની ચકરડીના 20, ખાણીપીણીના 34, રાઈડ્સના 44, આઈસ્ક્રીમના 16, ફુડ કોટના 3, ટી કોર્નર-1 અને વિવિધ સંસ્થાઓના મળી કુલ 355 પ્લોટ હતા જેમાં આ વખતે ઘટાડો કરવામાં આવેલ છે. લોકમેળાની બહાર બેરીકેડની ત્રણ બાઉન્ડ્રી લાઈન રાખવામાં આવશે. જેથી લોકમેળામાં લોકોની ગીર્દી વધતા જ લોકોની એન્ટ્રીને રોક લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત લોકમેળાના કંટ્રોલ રૂમમાં રૂબરૂ પહોંચી કલેકટર તપાસ કરતા રહેશે.