ખાસ-ખબર સંવાદદાતા
ઘઉંની નિકાસમાં નિકાસકારોએ ઘી-કેળા મળી રહ્યાં હોવાથી કેન્દ્ર સરકારનાં નિયમોથી વિરુદ્ધમાં ખોટી રીતે લેટર ઓફ ક્રેડીટ (એલસી) બતાવીને નિકાસ કરવાનાં પ્રયાસ કેટલીક મલ્ટીનેશનલ લોકલ કંપનીઓ દ્વારા થઈ રહ્યાં છે, જેની સામે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસનાં પણ આદેશ આપ્યા છે. કેન્દ્રીય વાણિજય મંત્રાલય હેઠળનાં ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સામાં એવું જાણવા મળી રહ્યું છે કે નિકાસકારો દ્વારા અગાઉની તારીખની ખોટી એલસી બતાવીને નિકાસ માટેની મંજુરી મેળવવામાં આવી રહી છે. આવી એલસી સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) અથવા તો ઈકોનોમીક ઓફેન્સ વિંગ દ્વારા કડક પગલા લેવાય તેવી સંભાવના છે. ફોરેન એકટ મુજબ નિકાસમાં ખોટી રીતે દસ્તાવેજો બનાવવા બદલ કડક પગલા લેવાય શકે છે.
ઘઉંની નિકાસ માટે બે પ્રકારે વેરિફીકેશન થઈ રહ્યું છે, જેમાં ઓનલાઈનની સાથે ફીઝીકલ પણ દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે.