ખાસ-ખબર ન્યૂઝ જમૈકા, તા.1
જમૈકામાં કેટેગરી 5 વાવાઝોડા મેલિસાના કારણે થયેલા વિનાશથી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બ્લેક રિવર શહેરમાં, રહેવાસીઓ કાદવ અને કાટમાળમાં ખાવા-પીવાની ચીજો શોધી રહ્યા છે. ઘણા લોકો નાશ પામેલી દુકાનો અને સુપરમાર્કેટમાંથી પાણીની બોટલો અને આવશ્ર્યક વસ્તુઓ કાઢી રહ્યા છે.
બીબીસીના જણાવ્યા અનુસાર, વાવાઝોડા પછી છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં અરાજકતા અને ભૂખમરો છે. કાદવથી ખદબદતી શેરીઓ, ધરાશાયી થયેલી ઇમારતો, પલટી ગયેલી હોડીઓ અને વિખેરાયેલા વાહનો વિનાશની તસવીર રજૂ કરે છે. વીજળી અને પાણી પુરવઠો બંધ છે. લોકોનો તેમના પરિવારોથી વિખુટા પડી ગયા છે.
સ્થાનિક યુવક ડેમર વોકરે કહ્યું, અમે શેરીમાં જે કંઈ મળ્યું તે ખાધું. અમે સુપરમાર્કેટમાંથી પાણી લીધુ, અને તે બીજાને પણ આપ્યું. નજીકની એક દવાની દુકાન અને દુકાનોમાં પણ લૂંટ ચલાવવામાં આવી હતી. લોકો કાદવમાં ઢંકાયેલી દવાઓ અને ખાવાનું ઉઠાવતા જોવા મળ્યા હતા. ઘણા દુકાનદારો તેમની લૂંટાયેલી દુકાનોની બહાર ચોકી કરતા ઉભા હતા.
- Advertisement -
રાજધાનીના કિંગ્સ્ટન એરપોર્ટ પર રાહત સામગ્રી પહોંચવાનું શરૂૂ થઈ ગયું છે, પરંતુ નાના એરપોર્ટ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે સહાય પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. લશ્ર્કરી અને રાહત એજન્સીઓના ટ્રકોને રસ્તાના તૂટેલા ભાગોમાંથી પસાર થવામાં મુશ્ર્કેલી પડી રહી છે. જમૈકાની સરકારે પુષ્ટિ કરી છે કે વાવાઝોડામાં 19 લોકોના મોત થયા છે. હૈતીમાં પણ 30 લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે શહેરના 90% ઘરો નાશ પામ્યા છે. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશનને પણ ભારે નુકસાન થયું છે. શહેરના મેયરે કહ્યું, બ્લેક રિવર સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે. લોકો મજબુરીમાં સામાન ઉપાડી રહ્યા છે, પરંતુ હિંસા પણ વધી રહી છે. એક મેડિકલ કાર્યકરના જણાવ્યા મુજબ ફાયર સ્ટેશનમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. બાળકો અને વૃદ્ધો સહિત ઘણા લોકોને ઘાયલ હાલતમાં લાવવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ એવા લોકો મળી આવ્યા હતા જેઓ બચી શક્યા ન હતા. શુક્રવારે બપોરે બ્લેક રિવરમાં આર્મી હેલિકોપ્ટર પહોંચ્યા, અને રસ્તાઓ પર ભીડ ઓછી થઈ ગઈ.



