મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ નિપજ્યા હતા
3 કોંગી નેતાએ પોલીસ તપાસને ખોટી ગણાવી જયસુખ પટેલને મુક્ત ન કરાય તો આંદોલનની ચીમકી
- Advertisement -
હાઇકોર્ટમાં કેસ ચાલે છે છતાં જયસુખ પટેલને છોડાવવા સરકારને ભલામણ, શું સરકાર ન્યાયતંત્રથી ઉપર છે?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ હોનારતમાં 141 લોકો માર્યા ગયા હતા. આ કેસના આરોપી તેમજ ઉદ્યોગપતિ જયસુખ પટેલને બચાવવા હવે કોંગ્રેસના 3 નેતા મેદાનમાં ઉતર્યા છે. પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, સરકાર જયસુખ પટેલને મુક્ત નહીં કરે તો અમે પાટીદાર સમાજની બેઠક બોલાવી એક મહિનામાં ઉગ્ર આંદોલન કરીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ, વ્યવસાયીઓ, બિલ્ડરો સામે ખોટી તપાસ કરી જેલમાં ધકેલી દઈ તેની યોગ્ય તપાસ ન થાય અને છેલ્લા દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ઈરાદાપૂર્વક હેરાનગતિ કરવાની પ્રવૃત્તિ કોના ઇશારે ચાલી રહી છે તે અમે પૂછવા માગીએ છીએ. ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, કોઇપણ એગ્રિમેન્ટ બને તો તેમાં સહી કરનારી દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. બ્રિજની ઘટનામાં જેટલું ઓરેવા ગ્રુપ જવાબદારી છે, તેટલા જ કલેક્ટર પણ છે. બ્રિજના રિનોવેશન કરારમાં ઓરેવા, મોરબી કલેક્ટર અને ચીફ ઓફિસર ત્રણેયની સહી છે. પણ ગઇ વિધાનસભા ચૂંટણીમાં વિપરીત અસર ન થાય તે માટે કલેક્ટરની ઉપર પગલાં લેવાયા નહીં. એસઆઇટીની તપાસ પણ અધકચરી છે. લલિત વસોયાએ કહ્યું કે અમે પાટીદાર સમાજની દરેક સંસ્થાના વડીલો સાથે ચર્ચા કરી મોરબી કે રાજકોટમાં સરકારની નીતિ સામે આંદોલન કરીશું.
જાહેર મંચ ઉપર જયસુખ પટેલનો બચાવ
તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના પછી જે જઈંઝ રચાઈ તેણે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. ત્યારબાદ પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં ઉતરી આવ્યા છે. જે મીડિયા સમક્ષ એવું તો રટણ ચાલુ રાખ્યું કે અમે ન્યાયિક પ્રક્રિયા સામે સવાલ નથી ઉઠાવતા પરંતુ જઈંઝના રિપોર્ટ સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવીને જાહેરમંચ ઉપર તમામ અગ્રણીઓ જયસુખ પટેલનો જ બચાવ કરતા રહ્યા છે. પહેલો પાયાનો પ્રશ્ર્ન એટલો જ કે જે કેસ ન્યાયના દ્વારે ચાલી રહ્યો છે તો પછી સવાલ ઉઠાવવાની કે બચાવ કરવાની જરૂર કેમ ઉભી થાય અને જયસુખ પટેલ કે જે કાયદા પ્રમાણે જેલમા બંધ છે તેના બચાવમાં ધાર્મિક સંસ્થાઓ કેમ ઉતરી આવે છે.
- Advertisement -
ન્યાયના દ્વારે કેસ ચાલે છે તો સમાજરત્નના નામે જયસુખ પટેલનો બચાવ કેમ?
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની એ કાળી રાતે મોરબી આખામાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બ્રિજ દુર્ઘટનાની માનવસર્જિત આફતે 135 પરિવારોના કંધોતર, તો કોઈના જુવાનજોધ કુળદિપક, તો કોઈના ઘરના મોભી અને કોઈના ઘરની લક્ષ્મીને છીનવી લીધી હતી. જે ઊંડા ઘા માથી આ પરિજનો ક્યારેય બહાર ન આવે તેવી એ કારમી થપાટ હતી. તેવામાં હવે પરિજનો આ દુર્ઘટના ભૂલવાની કોશિશ કરી રહ્યા છે તો અમુક લોકો જયસુખ પટેલને બચાવવા મેદાને ઉતર્યા છે. સારો અંગ્રેજી શબ્દ છે નેરેટીવ. એક વખત તમે કોઈ નેરેટીવ સેટ કરો છો પછી મોટેભાગે બહુધા જનસમુદાય એ જ દિશામાં વિચારતો થઈ જાય છે, બની શકે કે આ પાછળ મનોવિજ્ઞાન પણ કામ કરતું હોય!
નિલેશ ધુલેશિયાના પત્રમાં શું લખ્યું છે?
– 17 ઓક્ટોબરે ઉમાધામ ગાંઠીલાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો
– પત્રમાં જયસુખ પટેલનો બચાવ થતો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું
– એવી દલીલ હતી કે જયસુખ પટેલનો હેતુ ઝુલતા પુલમાંથી આર્થિક ઉપાર્જનનો નહતો
– જયસુખ પટેલનો હેતુ ધરોહરની જાળવણી થાય એટલો જ હતો
– જયસુખ પટેલના પરિવારે સમાજના ઉત્થાન માટે કરોડોનું દાન કર્યું હોવાની વાત
– જયસુખ પટેલની સ્થિતિ ધરમ કરતા ધાડ પડી એવી થઈ હોય ત્યાં સુધીની વાત
– પત્રમાં જયસુખ પટેલને આદરપાત્ર વ્યક્તિ ગણાવ્યા
SITના રિપોર્ટમાં શું હતું?
– મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થવા પાછળ ઓરેવા કંપની જવાબદાર
– બ્રિજ નિર્માણમાં ઓરેવા કંપનીની બેદરકારી
– MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ જવાબદાર
– બ્રિજ પર જવા માટે નિર્ધારીત સંખ્યા ઉપર કોઈ પ્રતિબંધ નહીં
– ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહતી
– બ્રિજ ખુલ્લો મુકાતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર નહતો થયો
– ટિકિટ વેચાણ ઉપર પણ કોઈ પ્રકારે પ્રતિબંધ નહીં
– બ્રિજ ઉપર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓનો અભાવ હતો
– બ્રિજનું સંચાલન અને સમારકામ કરનારા તમામ લોકો જવાબદાર