P.I. ઝણકાટએ બોડી વોર્ન કેમેરા પહેરેલો હતો, આખી ઘટનાનું રેકોર્ડિંગ ઉપલબ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
થોરાળા વિસ્તારમાં અપરાધીઓ દ્વારા પોલીસની ઘેરાબંધીની ઘટના આખા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘટનાનાં વિડીયોમાં આરોપી પરિવારનાં લોકો થોરાળા વિસ્તારના પોલીસ ઈન્સ્પેકટર ભાર્ગવ ઝણકાટ સામે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાનો આક્ષેપ કરતાં જોવા મળે છે. જાણવા મળતી આધારભૂત માહિતી મુજબ પી.આઈ. ઝણકાટે આવી કશી જ કમેન્ટ કરી નહોતી. વાસ્તવમાં તેમણે બોડી વોર્ન કેમેરા પહેર્યો હતો- જેથી આખી જ ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. ક્યાંય તેઓ જ્ઞાતિવિષયક કમેન્ટ કરતા હોય તેવું આખા રેકોર્ડિંગમાં સાબિત થતું નથી. આ આક્ષેપો કરીને આરોપીઓનો ઉદ્દેશ્ય પોલીસનું મનોબળ તોડવાનો જ હતો. જો કે, પી.આઈ. ઝણકાટએ ગજબનાક સંયમથી કામ લીધું હતું. તેમણે પરિપક્વતા સાથે સખત અભિગમનું સંયોજન દાખવ્યું હતું. વધુ અહેવાલ પાના નં. 4 પર
- Advertisement -
શામજી મકાનો ભૂતકાળ ખરડાયેલો: ઈરાદાપૂર્વક પોલીસને ફિક્સમાં મૂકી!
છેલ્લાં થોડાં સમય દરમિયાન શામજી મકાનાં પરિવારજનો વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાયા, તેનો જ ખાર રાખ્યો
થોરાળા વિસ્તારમાં શામજી મકાએ દારૂનો ધંધો છૂટથી કરવા માટે અને પોલીસ ન આવી શકે એ કારણથી પતરાંની આડશ નાંખીને આખો રોડ જ બ્લોક કરી દીધો હતો. પોલીસ જ્યારે આડશો હટાવવા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સાથે ત્યાં પહોંચી ત્યારે આરોપીઓએ ઈરાદાપૂર્વક વાતાવરણ ડહોળ્યું હતું. વાસ્તવમાં શામજી મકાના અનેક પરિવારજનો વિરૂદ્ધ છેલ્લાં થોડાં સમયમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે- તેનો ખાર રાખી આખો ખેલ પાડવામાં આવ્યો હતો. થોડાં સમય પહેલાં શામજીનાં ભાભી સામે દારૂનો ગુનો નોંધાયો છે, શામજીના ભત્રીજા સામે દારૂનાં પીઠાનો ગુનો નોંધાયો છે, અન્ય એક ભત્રીજા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, એક પરિવારજનને 59 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લેવાયો હતો. આટલું જાણે ઓછું હોય તેમ અમૂલ સર્કલ પાસે શામજીના સગાં દિલીપ ચૌહાણે એક વ્યક્તિનું અપહરણ કરીને તેને ઢોરમાર માર્યો હતો અને ટોળકીએ સામેથી 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી તેની સામે છેડતીનો આક્ષેપ કર્યો હતો. પી.આઈ. ઝણકાટે સીસીટીવી વગેરેની તપાસ કરતાં આ ટોળકીનાં પાપ છાપરે ચડી પોકાર્યા હતાં અને તેમણે આ ટોળકીના કુલ 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો જેમાં શામજીનાં ભાઈ ગુલી અને જીવણ પણ આરોપી હતાં. તેમાંથી આઠ લોકો તો પકડાઈ પણ ચૂક્યા છે. આમ આવા શ્રેણીબદ્ધ કારણોથી શામજી એન્ડ ગેન્ગ બરાબર ગીન્નાઈ હતી. ગઈકાલે ફિનાઈલ જેવું પ્રવાહી ગટગટાવીને ખેલ કરનાર કેવલ સામે પણ 326 તથા 302 સહિત બારથી પંદર ગુના નોંધાયેલા છે.
- Advertisement -