ખાસ-ખબર ન્યૂઝ પુદુક્કોટ્ટઈ
તમિલનાડુના બે દિવસીય પ્રવાસે ગયેલા અનુસુચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ રાજ્યમાં જાતિગત ભેદભાવ અને હિંસાની આઘાતજનક ઘટનાઓ પર ગહન દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તાજેતરમાં બનેલી બે હત્યાની ઘટનાઓમાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી, જેણે સમાજમાં જાતિવાદની ઊંડી જડતાને ફરી એકવાર ઉજાગર કરી છે.
- Advertisement -
પુદુક્કોટ્ટઈમાં બે ભાઈઓની હત્યા: જાતિગત વેરઝેર કારણભૂત:
કિશોર મકવાણા પુદુક્કોટ્ટઈ જિલ્લાના અવુદૈયારકોઈલ ગામમાં ગયા હતા, જ્યાં કામરાજ નગર નિવાસી અનુસૂચિત જાતિના બે ભાઈઓ, કે. કન્નન (35) અને કે. કાર્તિક (29) ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું કારણ જાતિગત શત્રુતા અને જૂનું વેરઝેર હોવાનું જણાયું છે. મકવાણાએ મૃતકોના ઘરે જઈને શોકગ્રસ્ત માતા, પત્ની અને બહેનોને સાંત્વના આપી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને આ કેસની સ્વતંત્ર, નિષ્પક્ષ અને જાતિ-સંવેદનશીલ તપાસ સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા. આ ઉપરાંત, જઈ/જઝ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ પીડિત પરિવારને તાત્કાલિક સહાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
તિરુનેલવેલીમાં સોફ્ટવેર એન્જિનિયર કવિનનો કરુણ અંત: આંતર-જાતિય પ્રેમ બન્યો કારણ
તાજેતરમાં કિશોર મકવાણા તિરુનેલવેલી જિલ્લાના આરુમુગમંગલમ ગામની મુલાકાતે ગયા. અહીં તેમણે હોનહાર યુવાન કવિનના શોકગ્રસ્ત માતા-પિતા અને ભાઈને મળીને સાંત્વના આપી. કવિન, જે ચેન્નઈમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો, તેની 27 જુલાઈ, 2025ના રોજ તિરુનેલવેલીના કેટીસી નગરમાં જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું કારણ કવિનનો કથિત ઉચ્ચ જાતિની યુવતી ડો. સુભાસિની સાથેનો પ્રેમ હતો. કમનસીબે, યુવતીના ભાઈ સુરજીતે આ હત્યા કરી હતી. નોંધનીય છે કે યુવતીના માતા-પિતા બંને પોલીસ ઇન્સ્પેક્ટર છે. આ મુલાકાત પહેલાં, મકવાણાએ તિરુનેલવેલીના જિલ્લા કલેક્ટર, પોલીસ મહાનિરીક્ષક (સામાજિક ન્યાય અને માનવાધિકાર), પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી. તેમણે તપાસ અને ન્યાયિક પ્રક્રિયા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા. બેઠકમાં આ વિસ્તારમાં બનેલી અન્ય જાતિગત અત્યાચારની ઘટનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
એક વર્ષમાં 60થી વધુ હત્યાઓ: તમિલનાડુમાં જાતિગત હિંસા ચિંતાનો વિષય
કિશોર મકવાણાએ ધ્યાન દોર્યું કે એક જ વર્ષમાં તમિલનાડુમાં 60થી વધુ અનુસૂચિત જાતિના લોકોની હત્યા થઈ છે. તેમણે જણાવ્યું કે ન્યાયાલયે પણ સ્વીકાર્યું છે કે તમિલનાડુમાં થતી જાતિગત હત્યાઓ અત્યંત ચિંતાનો વિષય છે. આ ઘટનાઓ દર્શાવે છે કે સમાજમાં જાતિવાદની સમસ્યા કેટલી ગંભીર છે, અને તેને નાથવા માટે સઘન પગલાં લેવા અત્યંત જરૂરી છે.
- Advertisement -