બરૌની-રાજકોટ એક્સપ્રેસના કોચની વચ્ચે કોરીડોરમાં રેઢું હથિયાર મળી આવતાં પોલીસમાં દોડધામ મચી
SOGની ટીમનો તમંચો અને કાર્ટીસ કબ્જે કરી તપાસનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં થયેલ ટ્રેન ઉથલાવવાના કાવતરા વચ્ચે રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી જીવતા કાર્ટીસ સાથે દેશી તમંચો મળી આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. એસઓજીની ટીમે તમંચો અને કાર્ટીસ કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો હતો. થોડાં સમય પૂર્વે જ પશ્ર્ચિમ રેલ્વે એસપી બલરામ મીણાએ રાજકોટ રેલ્વે સ્ટેશન પર મુલાકાત કરી સ્ટાફને કડક પેટ્રોલિંગ કરવાની સૂચના આપી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ, રેલ્વે પોલીસ અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષીતા રાઠોડ, એસપી બલરામ મીણા, ડીવાયએસપી એસ.આર.પટેલ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હથીયારધારા અને નાર્કોટીકસના કેસો શોધી કાઢવાની આપેલ સૂચનાથી એસઓજી અમદાવાદ પીઆઈ વી.એન.સીંગરખીયા અને એચ.કે.શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ રાજકોટના હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને હિતેષભાઇ રેલ્વે પ્લેટફોર્મ પર આવતી જતી ટ્રેનોમાં ચઢતા ઉતરતા પેસેન્જર પર વોચ રાખવા હાજર હતા તે દરમ્યાન ટ્રેન નં.09570 બરૌની-રાજકોટ એક્સ (સાપ્તાહિક) ટ્રેનના જ/5-જ/6 બન્ને કોચની વચ્ચે કોરીડોરમાં નીચે પડેલ બિનવારસી એક સફેદ પ્લાસ્ટીક કંતાનની નાની થેલીમાં દેશી તમંચો તથા બે કારતુસ ગ્રાઇવેટ સફાઇ કામદાર બાબુલાલ કુસ્વાહાને જોવામાં આવતા તેમને તુરંત એસઓજી સ્ટાફને જાણ કરતા સ્ટાફે દોડી જઈ દેશી તમંચો અને જીવતા કારતુસ સહિત રૂ.5200 નો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદ સહિત રાજ્યભરમાં અગાઉ ટ્રેન ઉથલાવવા પાટા સાથે ચેડા કરી મુસાફરોની ઝીંદગી સાથે ખેલ કરવાના બનાવો આવ્યાં હોય જેથી પશ્ર્ચિમ રેલ્વે એસપી બલરામ મીણાએ થોડાં સમય પહેલાં જ રાજકોટ રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી એલસીબી, એસઓજી ટીમને સખત પેટ્રોલીંગ કરી વોચ રાખવાની કડક સૂચના આપ્યાં બાદ એલસીબી અને એસઓજી ટીમ સતર્ક થયાં બાદ દેશી તમંચો રેઢો મળતાં ફરીવાર દોડધામ મચી ગઈ હતી. કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં જ હાથમાં આવી જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.