બે પરિવારે જુવાનજોધ બે દીકરા ખોયા: એકના 3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગોંડલ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લઈ ઉલાળતાં બાઇક પર સવાર બે યુવાન સંતોષ અને સુનીલ 15 ફૂટ રોડ ઢસડાયા હતા. ગંભીર ઇજાને કારણે બન્નેનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં મૃત્યુ પામેલો સુનિલ બે ભાઈમાં મોટો અને તેમના ત્રણેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. સુનિલના મોતથી નવોઢા વિધવા બની હતી. તેમજ સંતોષ ત્રણ ભાઈમાં નાનો હતો તેમજ તેનો મોટો ભાઈ શિવકુમાર પણ સાથે જ રાજ પાઉભાંજીની દુકાને કામ કરતો હોવાનું જણાવ્યું હતું. બન્નેના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
- Advertisement -
ઘવાયેલા બન્ને યુવકો લોહીલૂહાણ હાલતમાં પડ્યા હોય તેઓને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજીમાં કામ કરતા અને વિજય પ્લોટ શેરી.18માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષ ધીરેનકુમાર રાવ(ઉં.વ.18) અને સુનિલકુમાર બજરંગી વર્મા(ઉં.વ.20) બન્ને ગઈકાલે મધરાત્રે બેથી અઢી વાગ્યે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા. ત્યારે દુકાનથી થોડે દૂર પહોંચતા ગોંડલ રોડ પરથી પૂર ઝડપે આવી રહેલી આઈ-20 કારના ચાલકે બન્ને યુવકને ઠોકરે લેતા બંને 15 ફૂટ સુધી ફંગોળાયા હતા અને તેમજ અકસ્માતની ઘટનાથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં
ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી બાદ 108ને જાણ કરી હતી. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બનતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કારચાલક સામે રોષ ઠાલવી રહ્યા હતા તેમજ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
કારે વીજ ટ્રાન્સફોર્મરને નમાવી દીધું હતું
કારની સ્પીડ એટલી હતી કે રોડની સાઇડમાં ઊભા વીજ ટ્રાન્સફોર્મરને પણ ત્રાસું નાખ્યું હતું. જો વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થાત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ વીજ ટ્રાન્સફોર્મર ત્રાસું જ થયું હતું. આજે સવારે ઙૠટઈકની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વીજ ટ્રાન્સફોર્મરને રિપેર કરવાની કામગીરી તેણે હાથ ધરી હતી.