અમરેલીનો પરિવાર દ્વારકા દર્શન કરી પરત ફરતા સોમનાથ નજીક થયો અકસ્માત
ખાસ-ખબર સંવાદદાતા
અમરેલીના વડલી ગામનો પરિવાર ઈકો કાર મારફત દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સોમનાથ બાયપાસ તાલાલા ચોકડીના બ્રિજ પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા.આ અંગેની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરેશભાઈ બાલુભાઈ સાંખટ રે.વડલી,જી.અમરેલી ગત તા.2 ના રોજ તેમના પીતા બાલુભાઇ, માતા લુંણીબેન, બહેન જયાબેન, ભાઇ મુકેશભાઇ, ભાણકી પ્રીયંકા, સસરા મનુભાઇ, સાસુ કંચનબેન, પત્ની સોનલબેન, દાદી જોમુંબેન તથા ડ્રાઈવર રાજેશભાઈ શામજીભાઇ ગલથરીયા સહિતના ઇકો ગાડી જેના રજી.નં.ૠઉં 05 છૠ 9298 લઈ વડલી ગામેથી બુધવારે રાતના એક વાગ્યાની આસપાસ દ્વારકા દર્શન અર્થે જવા માટે નિકળેલ હતા અને દર્શન કરી સાંજના સમયે ઘરે આવવા માટે નિકળેલ હતા તે દરમિયાન રાતના એક વાગ્યે સોમનાથ બાઇપાસ તાલાળા ચોકડી બ્રીજ ઉપર પહોંચતા ઇકો ગાડી ટ્રકની પાછળના ભાગે ભટકાતા તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પહોંચતા બાલુભાઈ સાંખટ અને ડ્રાઈવર રાજેશભાઈ ગલથરીયાને ડોકટરે મૃતક જાહેર કર્યા હતા.જેના પગલે પ્રભાસ પાટણ પોલીસે ટ્રક જેના રજી.નં.ૠઉં 25 ઞ 4268 ના ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.