ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકામાં આઠ મહિના પહેલા જ નિમણુંક પામીને આવેલ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા નિમણુંક બાદ પોતાની કામ કરવાની શૈલી અને કર્મચારી પાસેથી કામ લેવડાવવાની પદ્ધતિના કારણે ચર્ચામાં આવ્યા હતા. ધડાધડ ઓર્ડર અને કાઉન્સિલર સાથેના ચર્ચાસ્પદ સંવાદ વચ્ચે અચાનક તેઓને હળવદ ખાતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલી કરી દેવાઈ હતી. રાતોરાત થયેલી બદલીથી ભારે ચર્ચા જાગી હતી અને એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે સ્થાનિક ભાજપ આગેવાનોની આંતરિક હુંસાતુંસીને કારણે ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર ગાંધીનગરથી કરાવવામાં આવ્યો હતો જોકે જાણે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલીનો જૂનો ઓર્ડર રદ કરી ફરી તેઓને મોરબીમાં જ મુકવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યની નગરપાલિકાઓના 20 જેટલા ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી હતી જો કે આજે ફરી બદલીના ઓર્ડર થયા હોય તેમાં જુના બદલીના ઓર્ડર થયેલા 3 ચીફ ઓફિસરોને જુના સ્થાને જ મુકવાનો હુકમ થયો છે જેમાં મોરબીના સંદીપસિંહ ઝાલાનું પણ નામ છે. આ ઉપરાંત હળવદના ચીફ ઓફિસર તરીકે પાટણથી બદલી થઈને આવેલ પંકજ બારોટને મુકવામાં આવ્યા છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસરની બદલીનો ઓર્ડર રદ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/10/Transfer.png)