ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ભારતીય મૂળના હિન્દુ કેનેડિયન સાંસદને માત્ર ધમકી જ નથી આપી રહ્યો પરંતુ તેમને ભારત પરત ફરવા માટે પણ કહી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેનેડા અને અમેરિકામાં રહીને ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર રચનાર ગુરપતવંત સિંહ પન્નુની હિંમત હવે એટલી વધી ગઈ છે કે, તેણે કેનેડાના ચૂંટાયેલા સાંસદને ખુલ્લેઆમ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે. આતંકવાદી પન્નુ ભારતીય મૂળના હિન્દુ કેનેડિયન સાંસદને માત્ર ધમકી જ નથી આપી રહ્યો પરંતુ તેમને ભારત પરત ફરવા માટે પણ કહી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને તેના સમર્થકો સાથે ભારત જવા માટે કહી રહ્યો છે. વાસ્તવમાં ચંદ્ર આર્ય કેનેડાના એ જ હિન્દુ સાંસદ છે જે કેનેડામાં સતત ફેલાતા ખાલિસ્તાની આતંકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કેનેડાની સંસદથી લઈને વિવિધ મંચો પર ચંદ્ર આર્યએ પન્નુની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. અહી ખાસ અને સૌથી મહત્વની વાત એ છે કે, ચંદ્ર આર્ય કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના સાંસદ છે.
- Advertisement -
આવો જાણીએ શું કહ્યું ખાલિસ્તાની પન્નુએ ?
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું, ચંદ્ર આર્ય અને તેના સમર્થકો માટે કેનેડામાં કોઈ જગ્યા નથી. ચંદ્ર આર્ય કેનેડામાં ભારતના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે. તેણે તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવી જોઈએ અને ભારત પરત ફરવું જોઈએ. ચંદ્ર આર્ય અને તેમના સમર્થકો ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની શીખોએ કેનેડા પ્રત્યે તેમની દેશભક્તિ સાબિત કરી છે. અમે કેનેડાને વફાદાર છીએ.
હવે જાણો ચંદ્ર આર્યએ પન્નુંને શું જવાબ આપ્યો ?
આ તરફ ચંદ્ર આર્યએ પણ ખાલિસ્તાની પન્નુના વીડિયો પર વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ખાલિસ્તાનીઓએ એડમોન્ટન (કેનેડામાં એક શહેર)માં હિન્દુ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી અને નફરત ફેલાવી. મેં તેના પગલાની નિંદા કરી. મારી નિંદાના જવાબમાં શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુ મને અને મારા હિંદુ-કેનેડિયન મિત્રોને ભારત પાછા ફરવાનું કહી રહ્યા છે. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, આપણે હિન્દુઓ વિશ્વના તમામ ભાગોમાંથી કેનેડા આવ્યા છીએ. કેનેડા આપણી ભૂમિ છે. અમે કેનેડાના સામાજિક-આર્થિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ હવે આ જમીન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા પ્રદૂષિત કરવામાં આવી રહી છે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
પન્નુ કેનેડિયન અને અમેરિકન નાગરિક છે જે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા તરીકે સેવા આપે છે. ખાલિસ્તાનના સમર્થક પન્નુ વ્યવસાયે વકીલ છે અને અલગ શીખ રાષ્ટ્ર, ખાલિસ્તાનની માંગણીના લોકમતના મુખ્ય આયોજક રહ્યા છે. કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા ભારતીય પ્રવાસી ધરાવતા દેશોમાં આ લોકમતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા પન્નુએ થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે, જનમત અભિયાન ચલાવવા માટે ભારત મને મારવા માંગે છે. ભારત આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને અમેરિકાના સાર્વભૌમત્વ માટે સીધો પડકાર બની ગયો છે.
હવે જાણો શું છે આ ભાગેડુ પન્નુનો ઈતિહાસ?
પંજાબના નાથુ ચક ગામના મૂળ પન્નુએ પ્રારંભિક શિક્ષણ લુધિયાણામાંથી મેળવ્યું હતું અને બાદમાં અમૃતસર નજીક ખાનકોટમાં સ્થાયી થયા હતા. પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબ માર્કેટિંગ બોર્ડના સેક્રેટરી હતા. એવું માનવામાં આવે છે કે, તેણે 1990ના દાયકામાં પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ તેમના કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય થયા હતા. આ પછી તે વિદેશ ગયા ત્યાં તેણે શરૂઆતના કેટલાક વર્ષો સુધી કેબ ડ્રાઇવર તરીકે કામ કર્યું અને પછીથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. 2007માં તેણે SFJની સ્થાપના કરી અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક બન્યા. એક ચર્ચા એવી પણ છે કે, ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનાર પન્નુને આ કામમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદ મળે છે.