કેટલાંક વર્ગોમાં આવા સંબોધન પ્રચલિત છે: તેને જાતિય લાગણી સાથે સાંકળવાની જરૂર નથી
કોસ્ટગાર્ડ તરીકે કામ કરતી મહિલાએ તેના ઉપરી અધિકારી સામે આરોપ લગાવ્યો હતો
- Advertisement -
સમાજના કેટલાંક વર્ગોમાં મહિલાઓને સ્વીટી અથવા ‘બેબી’ કહીને સંબોધન કરવાનું ચલણ હોવાનું નોંધતા કોલકાતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આવા શબ્દો હંમેશા સેક્સ્યુઅલ ઈરાદાથી બોલાયા હોય તે જરૂરી નથી અને તે કોઈની જાતિય લાગણીઓને દર્શાવતા હોય તેવું માની ના લેવાય.
આ જ ચુકાદામાં કોર્ટે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો પ્રીવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ(પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ (POSH Act) એટલે કે કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી રોકતાં કાયદાનો દુરૂપયોગ થશે તો તેનાથી મહિલાઓ માટે જ અવરોધો સર્જાશે.
એક મહિલા દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં ન્યાયમૂર્તિ સબ્યસાચી ભટ્ટાચાર્યએ આ ટિપ્પણી કરી હતી. કેસની વિગતો અનુસાર,એક મહિલાએ તેના ઉપરી અધિકારી પર આરોપ મુક્યો હતો કે, તેઓ તેને સ્વીટી અને બેબી કહીને જ બોલાવે છે. કોસ્ટગાર્ડ તરીકે કામ કરતી આ મહિલાના જણાવ્યાં અનુસાર, ઉપરી અધિકારીએ અનેક પ્રકારે તેની જાતિય સતામણી કરી છે.
- Advertisement -
જોકે પોતાના બચાવમાં અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય આવા શબ્દો જાતિય સંકેતો તરીકે નહોતા ઉચ્ચાર્યા. તેમણે જણાવ્યું” હતું કે, જ્યારે ફરિયાદી મહિલાએ તેની સામે વાંધો ઉઠાવ્યો ત્યારથી જ તેમણે આવા શબ્દો બોલવાનું બંધ કરી દીધું હતું. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ફરિયાદીની ઓફિસની આંતરિક ફરિયાદ સમિતિએ આવા શબ્દોના ઉપયોગને અયોગ્ય ગણાવ્યું હતું, પરંતુ સાથે એમ પણ જણાવ્યું હતું કે, આવા શબ્દોને સેક્સ્યુઅલ સેન્ટિમેન્ટ સાથે એટલે કે જાતિય લાગણીઓ સાથે સાંકળીને જોવાની જરૂર નથી.