‘કાંતિલાલના ખર્ચે એને જ પાડી દેવાના છે, કોંગ્રેસનું બટન દબાવી દેવાનું !’
ચૂંટણીનાં પરિણામ પહેલાં બે આગેવાનો વચ્ચેની ટેલીફોનિક વાતચિતનો ઓડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો
- Advertisement -
કોલમાં વડીલ સાથે વાતચિત કરનાર વ્યક્તિ જાણીતા સહકારી આગેવાન હોવાનું અનુમાન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલે ગુરુવારે ચૂંટણી પરિણામો પણ જાહેર થવાના છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને અંદરખાને હરાવવાની વાતચિતનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં બે આગેવાનો વચ્ચેની વાતચિતમાં એક વ્યક્તિ કહે છે કે, ’ઉઘાડું નથી પડવાનું, મૂંગા મોઢે મારવાના છે’.
કોલમાં વાતચિત કરનાર આગેવાનોમાં એક વ્યક્તિ ઘાંટીલા ગામના વડીલ અને તેમની સાથે વાત કરનાર મોરબીના સહકારી ક્ષેત્રના એક જાણીતા આગેવાન હોવાનું અનુમાન છે. મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસ ઉમેદવાર જયંતિલાલ પટેલ વચ્ચે જંગ જામ્યો છે ત્યારે હવે આવતીકાલે ગુરુવારે આવનારા પરિણામની રાહ જોવાઈ રહી છે તેવામાં કાંતિલાલ અમૃતિયાને અંદરખાને હરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેની વાતચિતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. આ ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ કહે છે કે, ભાજપવાળા ગમે તે કંઈ પૂછે તો એમ જ કહેવાનું કે વાતાવરણ ખૂબ સારું છે. આપણે મૂંગા મોઢે જ મારવાના છે. વાતચિતમાં બીજા વ્યક્તિએ એવું પૂછ્યું કે, મંડળીએ ગયો હતો ત્યાં હજુ બધા એમ જ કહે છે કાનાભાઈ બરાબર છે તો સામે વ્યક્તિએ જવાબમાં કહ્યું કે, આપણે ડિકલેર નથી કરવાનું, મૂંગા મોઢે મારવાનું છે. બધા આપણા ભેગા જ છે. કાર્યાલય ખોલ્યું એનો ખર્ચ કાંતિલાલ આપશે. એના પૈસે જ એને મારવાના છે. વધુમાં ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ એવું કહે છે કે, ઉઘાડા ન થતા, કાનાભાઈની ભેગા છીએ એમ જ કહેવાનું છે. કાંતિલાલ હારી જશે એવું બધું ગોઠવી દીધું છે ત્યારબાદ સામેનો વ્યક્તિ વાહ રે વાહ એવું બોલીને પોતાની ખુશી વ્યક્ત કરે છે ત્યારે ચુંટણીના પરિણામ પૂર્વે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કોલ રેકોર્ડિંગને લઈને રાજકીય ખળભળાટ મચી જવા પામી છે.
- Advertisement -
કાંતિલાલ અમૃતિયાને હરાવવા અંગેની વાયરલ થયેલી ઓડીયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…