ટ્રક અને કારની ટક્કર થઇ, મંત્રીનો આબાદ બચાવ, પોલીસ તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો હતો અને એમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો.
આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની સુગર અને હોનેસ્ટ હોટેલ નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જોકે, રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે ચોટીલા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ ચોટીલા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાનો હળવદ પાસે જયારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ત્યારે ચોટીલા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો છે.