અંદાજે રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે બ્રિજ બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખાવડ રોડ પરના નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન, કેબિનેટ મંત્રીએ અંદાજે રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ મેજર બ્રિજની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે બ્રિજનું કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની વિગતવાર માહિતી મેળવી અને કામગીરી નિયત થયેલા માપદંડો અનુસાર થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
- Advertisement -
મંત્રીએ જણાવ્યું હતું કે, આ મેજર બ્રિજ બનવાથી મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકોની પરિવહન વ્યવસ્થા સુગમ બનશે. તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નો અને બ્રિજની કામગીરી અંગે પ્રતિભાવ પણ લીધા હતા.
નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી. ડાભીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ. 8 કરોડથી વધુની રકમના ખર્ચે બનનારા આ બ્રિજની લંબાઈ 84.00 મીટર અને પહોળાઈ 12.50 મીટર છે. ઉપરાંત, બ્રિજની બંને તરફના એપ્રોચમાં ક્રેશ બેરિયર, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ તથા બ્રિજ સેક્શનમાં ફૂટપાથ પણ કરવામાં આવશે.