દેશના તમામ 643 મંત્રીની કુલ સંપત્તિ રૂ.23,929 કરોડ : ADRનો રીપોર્ટ
રાજ્યમાં બચુ ખાબડની સંપત્તિ સૌથી ઓછી 92 લાખ, ગૃહમંત્રી અમિત શાહ 65 કરોડની સંપત્તિ સાથે દેશમાં 50મા ક્રમે
TDPના ડૉ. ચંદ્રશેખર પેમ્માસા રૂ.5,705 કરોડની સંપતિ સાથે દેશના સૌથી ધનિક મંત્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારના 643 મંત્રીઓની કુલ સંપત્તિ 23,929 કરોડ રૂપિયા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ,આ મંત્રીઓ સરેરાશ સંપત્તિ 37.21 કરોડ છે. જ્યારે તમામ 643 મંત્રીઓની કુલ સંપત્તિ 23,929 કરોડ રૂપિયા છે. પક્ષની દ્રષ્ટિએ, ભાજપ પાસે અબજોપતિ મંત્રીઓની સંખ્યા સૌથી વધુ 14 છે, જોકે તે તેના કુલ મંત્રીઓના માત્ર 4 ટકા છે. કોંગ્રેસ બીજા સ્થાને છે જ્યાં તેના 61 મંત્રીઓમાંથી 11 અબજોપતિ છે, જ્યારે ટીડીપીના 23 મંત્રીમાંથી છ અબજોપતિ છે. આંધ્ર પ્રદેશનું મંત્રીમંડળ 8972 કરોડની સંપત્તિ સાથે પહેલુ છે. સૌથી ધનિક મંત્રીમંડળવાળા રાજ્યમાં ગુજરાત 701 કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે. અહીં રાજ્ય સરકારના 17 મંત્રી ઉપરાંત ગુજરાતમાંથી 6 કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે. રાજ્યના કેબિનટ મંત્રી બળવંતસિંહ રાજપૂત 372 કરોડની સંપત્તિ સાથે દેશમાં 11મા સૌથી ધનિક મંત્રી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 65 કરોડની સંપત્તિ સાથે 50મા ક્રમે છે. રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી 54 કરોડ સાથે 58મા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી-નવાસારીથી સાંસદ સી.આર. પાટીલ 39 કરોડની સંપત્તિ સાથે 79મા ક્રમે છે. ગુજરાતમાં બચુ ખાબડની સંપત્તિ સૌથી ઓછી 92 લાખ છે દેશના સૌથી ધનિક મંત્રી ઝઉઙના ડો. ચંદ્રશેખર પેમ્માસાની છે, જે આંધ્રપ્રદેશના ગુંટુરથી લોકસભા સાંસદ છે. તેમણે 5,705 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. કર્ણાટક કોંગ્રેસના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર 1,413 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા સ્થાને છે, જ્યારે ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે. ટોચના 10માં અન્ય શ્રીમંત મંત્રીઓમાં આંધ્ર પ્રદેશના નારાયણ પોંગુરુ અને નારા લોકેશ, તેલંગાણાના ગદ્દમ વિવેકાનંદ અને પોંગુલેતી શ્રીનિવાસ રેડ્ડી, કર્ણાટકના સુરેશ બીએસ, મહારાષ્ટ્રના મંગલ પ્રભાત લોઢા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે.
દેશના 302 મંત્રી સામે કુલ 1689 ફોજદારી કેસ : ADR
ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના વિશ્લેષણ મુજબ, દેશના લગભગ 47 ટકા મંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. આ અહેવાલ કેન્દ્ર દ્વારા સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યાના થોડા દિવસો બાદ આવ્યો છે જેમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કર્યા પછી 30 દિવસ સુધી અટકાયતમાં રહે તો વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને દૂર કરવાની જોગવાઈ છે. અઉછ એ 27 રાજ્ય વિધાનસભાઓ, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રી પરિષદના 643 મંત્રીઓના સોગંદનામાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે 302 મંત્રીઓ, અથવા કુલ મંત્રીઓના 47 ટકા, તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. અહેવાલમાં જણાવાયું છે કે આ 302 મંત્રીઓમાંથી, 174 સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે. કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોમાં, પાર્ટીના 45 મંત્રીઓ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા છે. 31 ડીએમકે મંત્રીઓમાંથી, 27 વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે 14 વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના 40 મંત્રીમાંથી 13 વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સૌથી વધુ પ્રમાણ ધરાવે છે, તેના 23 મંત્રીઓમાંથી 22 પર ફોજદારી કેસ છે અને 13 પર ગંભીર ફોજદારી કેસ છે. આપના 16 મંત્રીઓમાંથી 11 પર ફોજદારી કેસ છે જ્યારે પાંચ પર ગંભીર કેસ છે. રાષ્ટ્રીય સ્તરે, તેના 72 કેન્દ્રીય મંત્રીઓમાંથી 29એ તેમના સોગંદનામામાં ફોજદારી કેસ જાહેર કર્યા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીના 60 ટકાથી વધુ મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેનાથી વિપરીત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના મંત્રીઓ સામે કોઈ ફોજદારી કેસ નોંધાયા નથી.
આંધ્ર પ્રદેશ રૂ.8972 કરોડ સાથે દેશનું સૌથી ધનિક મંત્રીમંડળ, ગુજરાત 701 કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે
- Advertisement -
રાજ્ય મંત્રી સંપત્તિ
આંધ્ર પ્રદેશ 28 8972 કરોડ
કર્ણાટક 36 4098 કરોડ
મહારાષ્ટ્ર 47 2166 કરોડ
રાજ્ય મંત્રી સંપત્તિ
તેલંગાણા 17 1240 કરોડ
મધ્ય પ્રદેશ 37 1021 કરોડ
ગુજરાત 23 701 કરોડ