આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે સવારે 10.30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસની તૈયારીઓ પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલતી કામગીરી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાય છે પરંતુ 26 અને 27 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂરના કારણે થયેલી નુકસાનીના વળતર પર ચર્ચા કરાશે
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાય થયેલા નુકસાનીના વળતર પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.
- Advertisement -
નવરાત્રીમાં સુરક્ષાને લઈને કરાશે ચર્ચા
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા ખૈલૈયાની સુરક્ષા, પૂરતો પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં ક્યાં વિભાગમાં કેટલી જગ્યા ખાલી પડી છે તે બાબતે પણ ચર્ચા થઈ શકે છે.
PM મોદીના પ્રવાસની તૈયારીઓ પર થશે સમીક્ષા
તો આજની બેઠકમાં પીએમ મોદીના અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરના કાર્યક્રમની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા કરવામાં આવનાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.