NDA ઉમેદવારને 425 પ્રથમ પસંદગીના મત મળ્યા જ્યારે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા; 15 મત અમાન્ય જાહેર થયા અને ઓછામાં ઓછા 14 સાંસદો ગેરહાજર રહ્યા.
એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન મંગળવારે અપેક્ષા મુજબ જ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને 452 મત મળ્યા હતા જ્યારે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. આમ રાધાકૃષ્ણનનો 152 મતોથી વિજય થયો હતો. વિપક્ષે એક થઈને સુદર્શન રેડ્ડીને મત આપ્યાના કોંગ્રેસના દાવા વચ્ચે વિપક્ષના 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.
- Advertisement -
રાજ્યસભાના મહામંત્રી અને રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કુલ 781 સાંસદોમાંથી 767 સાંસદોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 98.2 ટકા મતદાન થયું હતું. જોકે, 767માંથી 752 મત માન્ય અને 15 વોટ અમાન્ય થઈ ગયા હતા, જેથી જીતવા માટે જરૂરી બહુમતીનો આંક ૩૯૨થી ઘટીને 377 થઈ ગયો હતો. એનડીએના ઉમેદવાર અને હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવતા તમિલનાડુ ભાજપના વરિષ્ઠ નેતા છે. એનડીએની સ્પષ્ટ બહુમતીના પગલે તેમનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ તેમણે જે અંતરથી વિજય મેળવ્યો તેને વિપક્ષ માટે પીછેહઠ માનવામાં આવે છે.
એનડીએને પોતાના સાંસદોની સાથે કેટલાક ક્રોસ વોટિંગનો પણ લાભ મળ્યો. એનડીએની કુલ સંખ્યા 427 હતી, જેમાં વાયએસઆર કોંગ્રેસના ૧૧ સાંસદોનો ઉમેરો થતાં 438 થઈ હતી. આ સિવાય સીપી રાધાકૃષ્ણનને ક્રોસ વોટિંગ મારફત વધારાના 14 વોટ સાથે કુલ 452 મત મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થાય તેના કલાકો પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે દાવો કર્યો હતો કે, વિપક્ષે એક થઈને એનડીએના વિરોધમાં મતદાન કર્યું હતું. અમારા બધા જ 315 સાંસદોએ મતદાન કર્યું હતું. જોકે, મતદાન જાહેર થયું ત્યારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યાનું જાહેર થતા વિપક્ષના કેટલાક સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.
- Advertisement -
મતદાન જાહેર થયા પછી ભાજપ નેતાઓએ તુરંત દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર રાધાકૃષ્ણનની તરફેણમાં વિપક્ષના 15 સાંસદોએ મતદાન કર્યું છે. એનડીએના આ દાવાના પગલે વિપક્ષના કેટલાક સાંસદોએ ઈરાદા પૂર્વક અયોગ્ય મતદાન કર્યું હોવાનું મનાય છે. કારણ કે 15 મતો ગેરલાયક ઠર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં મતદાન કર્યું હતું. સીપી રાધાકૃષ્ણનને વિજયી જાહેર કરાયા પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યું રાધાકૃષ્ણનનું જીવન હંમેશા સમાજને અર્પણ રહ્યું છે. તેમણે ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. થિરુ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ અસાધારણ ઉપરાષ્ટ્રપતિ બનશે, જેઓ બંધારણીય મૂલ્યો અને સંસદીય કાર્યપ્રણાલીને મજબૂત કરશે.
બંને પક્ષોએ પોતાના સભ્યોની મહત્તમ હાજરી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા. મોદી સૌપ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન અને જનતા દળ (સેક્યુલર)ના નેતા દેવેગૌડા, 92 વર્ષના, વ્હીલચેરમાં મતદાન મથક પર પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના વડા શ્રી ખડગે, મતદાન મથક તરફ હાથ જોડીને ચાલતા જોવા મળ્યા. ચૂંટણીના મહત્વને સમજાવતા, તૃણમૂલ કોંગ્રેસના બે લોકસભા સાંસદો – સુદીપ બંધોપાધ્યાય અને સૌગત રોય – તેમની તબિયત ખરાબ હોવા છતાં મતદાન કરવા આવ્યા.




