સાહિત્યકાર અને શિક્ષણવિદ ડો. બળવંત જાનીએ સરસ્વતી શિશુમંદિર, સૌ.યુનિ. અને રાજકોટનું ગૌરવ વધાર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો. બળવંતભાઈ જાનીને ગુજરાતી ભાષાનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ડો. બળવંતભાઈ જાનીને મધ્યકાલીન ગુજરાતી ઈસ્માઈલી ગિનાન સાહિત્ય વિષય પર ઉત્કૃષ્ટ શોધ-સંશોધન માટે પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસ્કૃતિક મંત્રીમુળુ બેરા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અગ્ર સચિવ એમ. થેન્નારસન, કુલપતિ નિરંજન પટેલ, સાહિત્યકારમાધવ રામાનુજ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે સાહિત્યકાર અને શિક્ષણવિદ ડો. બળવંત જાનીનું સન્માન કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટ-સૌરાષ્ટ્રનું સાહિત્યિક ઘરેણું કહી શકાય એવા ડો. બળવંત જાનીને સાહિત્યના શ્રેષ્ઠ સન્માન એનાયત થતા સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તેમજ રાજકોટના સાહિત્યપ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયેલા ભાવકોએ પણ ડો. બળવંત જાનીની સાહિત્યિક પ્રવૃત્તિને પોંખી છે. નોંધનીય છે કે, ડો. બળવંત જાની રાજકોટ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં દસકોથી મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, એનસીટીઈ વેસ્ટઝોન ભોપાલના ચેરમેન, રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશનના સભ્ય જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાને દીપાવવાનું કાર્ય કરેલું છે. અનેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓમાં તેઓ માનદ સેવા આપી રહ્યા છે.
વિવેચન-સંશોધનના 80 ગ્રંથો, લોકસાહિત્ય વિમર્શ, સંતસાહિત્યવિમર્શ, ચારણીસાહિત્ય વિમર્શ, ‘સંશોધન અને સ્વાધ્યાય’, ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય’, ‘ભરતેશ્વર બાહુબલિરાસ’, ગુજરાત સરકારના ‘લોકગુર્જરી’ સામયિકનું એકધારુ 25 વર્ષ સુધી સંપાદન વગેરે તેમજ શોધ, સંશોધન, સાહિત્ય અને શૈક્ષણિક સેવાઓ આપવા બદલ ડો. બળવંત જાનીને માતૃભાષા દિવસ નિમિત્તે સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાન-યોગદાન બદલ બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા સરસ્વતી શિશુમંદિર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટનું ગૌરવ વધ્યું છે.