મહેન્દ્ર ગજેરા – તૃપ્તિ ગજેરાના કારસ્તાનોનો શ્રેણીબદ્ધ ભાંડાફોડ
થાનગઢના વાલી ધર્મરાજ મેંઢાએ ‘ખાસ-ખબર’ને આપી ચોંકાવનારી વિગત
- Advertisement -
સ્કૂલમાં શિક્ષણની હાલત અતિગંભીર, છતાં ગજેરા દંપતીના તદ્ન ખોટા દાવાઓ
ક્રિષ્ના સ્કૂલનાં કબાડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
ખાસ-ખબર દ્વારા છેલ્લાં કેટલાક દિવસોથી ક્રિષ્ના સ્કૂલમાં ચાલતી ગેરરીતિ અને લોંલલોલની પોલ ખોલવામાં આવી રહી છે, જેને જાગૃત વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત શિક્ષણજગતના લોકોએ પણ ખાસ-ખબરની ગજેરા દંપતી અંગેની સચોટ-સત્ય મુહિમને બિરદાવી છે. આ દરમિયાન ક્રિષ્ના સ્કૂલના કેટલાક વાલીએ ખાસ-ખબરનો સંપર્ક કરી તૃપ્તિ મહેન્દ્ર ગજેરાની એવી ચોંકવાનારી વિગતો આપી હતી જે જાણી કોઈપણ વ્યક્તિ હલબલી ઉઠશે.
થાનગઢમાં રહેતા ધર્મરાજ મેંઢા નામના એક વાલીએ ખાસ-ખબરનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમણે તેમના સંતાનનું એડમિશન ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં લીધું હતું. સૌપ્રથમ તો ગજેરા દંપતીએ વાલી સાથે મીઠીમીઠી વાતો કરી દોઢ લાખથી વધુની વાર્ષિક ફી ભરાવી લીધી હતી. પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધી બધું બરાબર ચાલતું હતું પણ લોકડાઉન બાદ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલનો વહીવટ કથળી ગયેલો. એ સમયે તો ધો. 10માં બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું એટલે વાસ્તવિકતા બહાર ન આવી પરંતુ જ્યારે ધો. 12 સીબીએસઈનું પરિણામ આવ્યુ ત્યારે ગજેરા દંપતીનું પાપ છાપરે ચઢી પોકાર્યું.
કૅમ્પસ હેડ બ્રિજેશ શર્માએ પણ વાલીઓને મદદ કરવામાં હાથ ઊંચા કરી દીધાં
થાનગઢના વાલી ધર્મરાજભાઈના કહેવા મુજબ, તેમનો પુત્ર નીલ ધો. 12 કોમર્સના બિઝનેસ વિષયમાં નાપાસ થયો હતો. કેટલાય વાલીઓ પોતાના સંતાનનું પરિણામ જોઈ ચોંકી ઉઠ્યા અને તેમણે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં પોતાના સંતાનનું નાપાસ થવાનું કારણ જાણ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. છ-છ મહિનાથી બિઝનેસ વિષયમાં કોઈ શિક્ષક જ નહતા. આખી સ્કૂલ ઓનપેપર પ્રિન્સિપાલ અને શિક્ષકો પર ચાલતી હતી. વિદ્યાર્થીઓએ પણ અંત સુધી આ હકીકત એટલે પોતાના વાલીઓને ન જણાવી કારણ કે, સ્કૂલની પોલ નહીં ખોલવા બદલ વિદ્યાર્થીઓની ગેરવાજબી જરૂરિયાત સંચાલકો સંતોષી આપતા હતા!
આ સમગ્ર મામલે વાલીઓએ કેમ્પસ હેડ બ્રિજેશ શર્માને ફોન કરી પેપર રિચેકિંગ અને સીબીએસઈ બોર્ડને ચેલેન્જ કરવાની વાત કરી હતી. પરંતુ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ, બિનલાયકાત ધરાવતા શિક્ષકો અને અન્ય કેટલીક ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય ગજેરા દંપતીના ઈશારે બ્રિજેશ શર્માએ હાથ ઊંચા કરી દીધા અને વાલીઓને સહકાર આપી દેવાની ના પાડી દીધી. વિદ્યાર્થીઓ બાદ વાલીઓનો અવાજ પણ સામ, દામ, દંડ, ભેદથી દબાવી દેવામાં આવ્યો, પરિણામે દોઢ ડઝન વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું હતું. તેઓ સંચાલકોની અવળચંડાઈથી માનસિક-આર્થિક ત્રાસનો ભોગ બન્યા હતા. વાલીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, અમારા સંતાનોના વર્તમાન અને ભાવિ બગડવા પાછળ મુખ્ય ભૂમિકામાં મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરા છે. અન્ય વાલીઓએ તેમની ભ્રામક વાતો-જાહેરાતોમાં આવીને સંતાનોના એડમિશન આ સ્કૂલમાં ન લેવા અપીલ કરી છે.
ગજેરા દંપતી પાસે સ્કૂલ ચલાવવાની કોઇ લાયકાત નથી, શિક્ષણને ધંધો બનાવી દીધો: વાલી
ખાસ-ખબરને એક વાલીએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના સ્કૂલના માલિક મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા પર ભૂતકાળમાં વ્યાજખોરીની ફરિયાદ થઈ છે તો તૃપ્તિ ગજેરાને સોશિયલ મીડિયામાં સેલ્ફી મૂકતા અને સૂફીયાણી વાતો કરતા સિવાય કશું આવડતું નથી. આ બંને દંપતીએ શિક્ષણને ધંધો બનાવી મૂક્યો છે. બે-ચાર શિક્ષકોના હવાલે આખી શાળા છોડી તેઓ બે નંબરી પૈસા કમાવવામાં પડ્યા છે. આ સ્કૂલમાં શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિઓ થાય છે. જો ક્રિષ્ના સ્કૂલની બદીથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ બચવું હોય તો કા પહેલા ગજેરા દંપતીને સુધારવા અથવા પોતાના સંતાનોના એડમિશન આ સ્કૂલમાં ન કરવા.
શિક્ષકના એકપણ ગુણ ન ધરાવતા હોવા છતાં બની બેઠેલા શિક્ષક હિમાંશુ દેસાઈએ વાલીનું અપમાન કર્યું!
ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના વાલી ધર્મરાજભાઈના સંતાન સહિત 19 જેટલા વાલીઓના સંતાનો ધો. 12 કોમર્સમાં બિઝનેસ વિષયમાં નાપાસ થયા હતા. આ અંગે તેમણે ગજેરા દંપતીનો સંપર્ક કર્યો હતો. બ્રિજેશ શર્મા બાદ ગજેરા દંપતીનો સંપર્ક કર્યો હતો ત્યારે તૃપ્તિ અને મહેન્દ્ર ગજેરાએ વાલીને મળવાની ચોખ્ખી ના પાડી હતી અને જ્યારે વાલીઓ થાકીહારી રાજકોટની ક્રિષ્ના સ્કૂલ પહોંચ્યા ત્યારે અહીંના સર્વેસર્વા હિમાંશુ દેસાઈને મળ્યા તો શિક્ષકના એકપણ ગુણ ન ધરાવતા છતાં બની બેઠેલા શિક્ષક હિમાંશુ દેસાઈએ વાલીનું અપમાન કરી હાથ ઊંચા કરી દીધા, વાલી સાથે ગેરવર્તણૂંક પણ કરી હતી. વિદ્યાર્થીઓને પણ ફરી પરીક્ષા અપાવવામાં તેમને એક વિષયમાં તૈયારી કરાવવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ક્રિષ્ના સ્કૂલના સંચાલકો તૃપ્તિ, મહેન્દ્ર, બ્રિજેશ, હિમાંશુ સહિતના આ ગેરવર્તનથી વાલીઓ તો ઠીક વિદ્યાર્થીઓ પણ આર્થિક-માનસિક ત્રાસનો ભોગ બન્યા હતા અને તેમણે એકપણ વાલીઓ કે વિદ્યાર્થીઓ ક્રિષ્ના સ્કૂલમાં એડમિશન ન મેળવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.
ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓના બ્રેઇન વોશ સહિત તાંત્રિક વિધિઓ થતી હોવાનો વાલીનો આક્ષેપ
એક વાલીએ જણાવ્યું હતું કે, ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં હાથીના દાંત જેવી સ્થિતિ છે, દેખાડવાનું કઈક બીજું, કરવાનું કઈક બીજું. ઓનપેપર કંઈક અલગ અને વાસ્તવમાં કંઈક અલગ. અહીં હોસ્ટેલમાં આવતા વિદ્યાર્થીઓને ગમે તે સમયે બહાર જવા દેવામાં આવે છે, મન પડે તે કરવાની છૂટ આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓની યોગ્ય-અયોગ્ય તમામ જરૂરિયાત પૂરી કરી એવું બ્રેન વોશ કરી દેવામાં આવે છે કે, વિદ્યાર્થીઓને ઘર કરતા હોસ્ટેલમાં વધુ ગમે. અહીં ગર્લ્સ-બોયસ હોસ્ટેલ સાથે હોવાથી ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સૌથી વધુ લવ મેરિજ થતા હોવાની વાત કરી વાલીએ આક્ષેપ કર્યો હતો કે, અહીંના સંચાલકો વિદ્યાર્થીઓ પર જાણે કોઈ તાંત્રિક વિધિ કરતા હોય તેમ વિદ્યાર્થીઓ તેમના વાલીના કહ્યામાં રહેતા નથી, આ અંગે તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષકો કે પ્રિન્સિપાલ ન હોવાની કે ભણાવાતા ન હોવાની વાતો છૂપાવે છે અને બગડીને બેહાલ થઈ જાય છે. અહીં એડમિશન લેવા આવતા વાલીઓને રાઈફલ શૂટિંગ, સ્કેટીંગ ટ્રેક, યોગા, જિમ, બોર્ડમાં નંબર, ઊંચા પરિણામો વગેરેની લોલીપોપ આપી આકર્ષવામાં આવે છે પરંતુ અહીંની હકીકત કંઈક અલગ જ છે. જો જિલ્લા શિક્ષણાધિકારી કે કોઈ જાગૃત વ્યક્તિ આ સ્થળની મુલાકાત લઈ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.