મેક્સિકોમાં બુધવારે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે.
મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહેલી બસ બુધવારે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક વર્ષના બાળક સહિત 27 લોકોના મોત થયા છે. જ્યારે આશરે 17 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
30 ફૂટથી વધુ ઉંડી ખીણમાં ખાબકી બસ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી કર્મચારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી ઉતરીને 30 ફૂટથી વધુ ઉંડી ખીણમાં ખાબકી હતી. મેક્સિકોના રાષ્ટ્રીય અખબાર મિલેનિયો અનુસાર, આ દુર્ઘટના મેગ્ડાલેના પેનાસ્કો (Magdalena Peñasco) શહેરમાં ઘટી હતી. આની પુષ્ટિ ઓક્સાકાના ગવર્નરે પણ ટ્વિટર પર કરી છે.
સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ઇજાગ્રસ્તોને મેગ્ડાલેના પેનાસ્કો શહેરમાં લઈ જવા માટે સિવિલ પ્રોટેક્શનના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અહીંના સ્થાનિક રહેવાસીઓ, શહેર પરિષદના કર્મચારીઓ અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે, આરોગ્ય કર્મચારીઓની અછતને કારણે ઈજાગ્રસ્તોની સારવાર માટે શહેરના તમામ ડોક્ટરો પાસે મદદ માંગવામાં આવી છે.
- Advertisement -
મૃતકોમાં 13 મહિલાઓ પણ સામેલ
ઓક્સાકા સરકારના સેક્રેટરી જનરલ જીસસ રોમેરો લોપેઝે જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) સર્જાઈ હતી. મૃતકોમાં 13 મહિલાઓ અને 13 પુરૂષો અને એક વર્ષનો બાળક સામેલ છે.
ઓક્સાકાના ગવર્નરે આપી આ સૂચનાઓ
ઓક્સાકાના ગવર્નર સૉલોમન જારાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને વિવિધ એજન્સીઓને પીડિતોની મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, “મેં સરકાર, આરોગ્ય, જાહેર સુરક્ષા, કલ્યાણ, ટાક્વિઓ અને સમાવેશ, નાગરિક સંરક્ષણ, સાથે જ DIFના સચિવોને તાત્કાલિક ઘટનાસ્થળે જવાની અને આ ભયાનક અકસ્માતથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે ચોક્કસ સૂચનાઓ આપી છે”