ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બોલિંગ શરૂ કરી, વીડિયો શેર કરતાં અટકળોનો દોર શરૂ
શું બુમરાહ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરશે?
જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવું પડ્યું હતું. સ્કેન રિપોર્ટ આવ્યા પછી તેને NCA મોકલવામાં આવ્યો અને જ્યાં તેણે BCCI મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ પુનર્વસન શરૂ કર્યું. લગભગ એક મહિનાથી મેદાનથી દૂર રહેલા બુમરાહે હવે નેટમાં બોલિંગ શરૂ કરી દીધી છે. વીડિયોમાં તે ખૂબ જ લયમાં પણ જોવા મળી રહ્યો છે. પરંતુ 4 માર્ચે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં તેમનો પ્રવેશ મુશ્કેલ લાગે છે. કારણ કે હવે તેમાં ફક્ત 4 દિવસ બાકી છે. BCCI તરફથી પણ આવી કોઈ માહિતી આવી નથી. રિપોર્ટ અનુસાર તે 22 માર્ચથી શરૂ થનારી IPLમાંથી જ વાપસી કરી શકશે.
- Advertisement -
નોંધનિય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટ દરમિયાન તેને કમરના નીચેના ભાગમાં થોડી સમસ્યા થઈ હતી. આ કારણે તે આ મેચની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો નહીં. BCCIની મેડિકલ ટીમે તેમને 5 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હતી અને આશા હતી કે, તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ થઈ જશે પરંતુ એવું થયું નહીં. જ્યારે જસપ્રીત બુમરાહના સ્કેન બાદ તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પછી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, બોર્ડ તેમના અંગે કોઈ ઉતાવળ બતાવવા માંગતું નથી. તેથી તેને આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવાનું વધુ સારું માનવામાં આવ્યું.
જોકે જસપ્રીત બુમરાહનો વીડિયો જોયા બાદ ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ ઉત્સુક બન્યા છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહને રમવાની માંગ કરી રહ્યા છે. કેટલાક તેને સેમિફાઇનલમાં રમતા જોવા માંગે છે તો કેટલાક ફાઇનલમાં. એટલા માટે તેણે બુમરાહના વીડિયો પર ટિપ્પણી કરીને પણ આ માંગણી કરી છે. હાલમાં ચાહકોની આ માંગણી પૂરી થવી મુશ્કેલ લાગે છે. પરંતુ ભારતના આ સ્ટાર પેસ બોલર ટૂંક સમયમાં શાનદાર વાપસી કરે તેવી અપેક્ષા છે.