એક વખત સાહેબ માફ કરી દો: અગરિયાઓની વેદના સાંભળવામાં સરકારી બાબુઓ અસમર્થ !
અગરિયાઓને લાત મારીને ગાળો ભાંડતા અધિકારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરિયાઓ મીઠું પકવીને રોજગારી મેળવે છે ત્યારે હાલમાં અગરિયાઓને અગર કાર્ડ હોય તો જ રણમાં પ્રવેશ મળવાના મુદ્દે અવારનવાર વન વિભાગ તેમજ એસઆરપી જવાનો સાથે અગરિયાઓને ઘર્ષણ થવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે હળવદ રેન્જના એંજાર પાસે એસ.આર.પી જવાનોની ટુકડી તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને ગાળો આપીને લાત મારવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં અગરિયાઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે.
જ્યારે અગરિયાઓ આ વીડિયોમાં સ્પષ્ટ કહેતા સંભળાઈ રહ્યા છે કે, એક વખત માફ કરી દો, ફરી વખત આવી ભૂલ નહીં કરીએ પરંતુ વન વિભાગના અધિકારીઓ તેમજ એસઆરપી જવાનોએ વિપક્ષે ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું જેથી કરીને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો અંગે હળવદ રેન્જ ફોરેસ્ટના અધિકારી કે. એમ. ત્રમટા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી અને અગરિયાએ પોતાની ભૂલ સ્વીકારી હતી જોકે અગરિયા એ કેવી ભૂલ સ્વીકારી અને કેમ સ્વીકારી આ બધા પ્રશ્નો યથાવત છે જેથી કરીને અગરિયાઓને ગાળો દેવામાં આવતી હોવાનો વિડીયો હાલ હળવદ પંથક તેમજ ધાંગધ્રા પંથકના અલગ અલગ વિસ્તારોના અગરિયાઓમાં ચર્ચાસ્પદ બન્યો છે.