છાત્રને માફી પત્ર લખાવવા મુદે છરી દેખાડી ધમકી આપી મારકૂટ કરી
તારા જેવાને બોલાવીએ પણ નહીં, કહી હડધૂત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પરાપીપળીયામાં આવેલ સોઢા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં જસદણના છાત્રને માફીપત્ર લખવા મામલે કોલેજના ચાર શિક્ષકોએ ઢીકાપાટુનો મારમારી છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એસીપીએ તપાસ હાથ ધરી હતી.
મૂળ જસદણના શિવરાજપુર ગામનો અને હાલ જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળીયા ગામ સોઢા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગની હોસ્ટેલમાં રહેતાં સુનિલ જેન્તીભાઈ પરમાર ઉ.20એ જય જોષી, મનન જોષી, લક્કી અને એક અજાણ્યા સાહેબ સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણ મહીનાથી પ્રથમ વર્ષમાં જીએનએમનો અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. ગઈ તા.20/02 ના દશેક વગ્યાની આસપાસ તે કલાસ રૂમમા હતો ત્યારે કોમ્યુનીટી હેલ્થ નર્સિંગના સાહેબ જયભાઈ જોષી આવેલ અને કહેલ કે, સવારે પ્રાર્થનામા મોડો પહોંચેલ તે બાબતે હોસ્ટેલ તથા અભ્યાસના નિયમ મુજબ એપોલોજી મેમો લખીને આપવાનો હોય જે આપવાનો હતો અને તે ત્રણ મેમો થાય તો ત્યાથી જતુ રહેવુ પડે અને તેનો આ બીજો મેમો હતો.જેથી સાહેબને હું લખીને આપુ છુ તેમ કહેતાં તેણે ગાળ દઈને કહ્યું કે, જીગ્ના મેડમ પાસે ચાલ ત્યા મેડમની હાજરીમાં જય સાહેબે તેના પિતાને ફોન કરી જાણ કરતા તેના પિતાએ જણાવેલ કે, હું કાલે આવુ છુ તેમ વાત કરી બન્ને રૂમમાથી બહાર નિકળી ગયા હતા બાદમા જય સાહેબે સ્ટાફ રૂમમા બોલાવેલ ત્યા તેમની સાથે અન્ય સાહેબ મનન જોષીએ કહેલ કે, સાંજે ચાર વાગે છુટ અને બાહર મળ તને બહુ હવા છે ને તેમ કહેતા છાત્ર ત્યાથી પરત કલાસમા જતો રહ્યો હતો. બાદમાં સાંજે ચારેક વાગ્યે ફરિયાદી તેના મિત્ર સાથે કોલેજ બાહર નીકળ્યો ત્યારે જય જોષી, મનન જોષી અને અન્ય લક્કી સાહેબ તેમજ એક અજાણ્યાં સાહેબ બાઇકમાં ઉભા હતા અને જયએ વાત કરવા બોલાવી એઇમ્સ રોડ ઉપર પુલ પાસે લઈ ગયેલ અને ત્યા જયએ તું શું હવા કરતો હતો હવે બોલ કહી ચારેયએ ઢિકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ જય જોષીએ તેમના બેગમાથી છરી કાઢીને બતાવેલ અને કહેલ કે, અમે તમારા જેવાને બોલાવતા પણ નથી કહીં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં જેથી છાત્ર પોતાન ગામ શિવરાજપુર જતો રહ્યો હતો અને દુખાવો થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બનાવ અંગે એટ્રોસિટી, મારકૂટ, ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા એસીપી ભાર્ગવ પંડયાએ વધું તપાસ હાથ ધરી છે.