બ્રિટિશ શાસન પહેલા પણ ભારતમાં સંરક્ષણ બાબતો પર મહત્તમ ખર્ચની જોગવાઈ હતી
1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે, આમ તો બજેટ શબ્દનો સામાન્ય અર્થ સૌ જાણે છે. બજેટનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. બજેટ શબ્દ લેટિન શબ્દ ’બલ્ગા’ પરથી આવ્યો છે. જેનો અર્થ ખોરાક કે સામગ્રી લઈ જવા માટેની ચામડાની થેલી, એવો થાય છે. પાછળથી, તેના અર્થમાં, ફક્ત એક ક્ધટેનર જ નહીં, પણ તેમાં મૂકવામાં આવતી વસ્તુ અથવા માલનો પણ સમાવેશ થતો હતો. ફ્રેન્ચમાં તેને બુગેટ પણ કહેવામાં આવે છે. જ્યારે આ શબ્દનો અંગ્રેજીમાં ઉચ્ચાર કરવામાં આવ્યો ત્યારે તે બોગેટ બની ગયો. પાછળથી આ શબ્દ બજેટ તરીકે ઓળખાવા લાગ્યો જેને વિશ્વના લગભગ તમામ દેશોએ અપનાવ્યો. આધુનિક બજેટ પ્રણાલી 18મી સદીમાં બ્રિટનમાં શરૂ થઈ હતી. 1760માં ઈંગ્લેન્ડમાં પહેલી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 1817માં ફ્રાન્સમાં અને 1921માં અમેરિકામાં બજેટ રજૂ થવાનું શરૂ થયું. ભારતમાં બજેટ રજૂ કરવાની પરંપરા 1860માં જેમ્સ વિલ્સન દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે પહેલું બજેટ રજૂ કર્યું હતું. બજેટ એક નાણાકીય દસ્તાવેજ છે. આમાં, દેશની સરકાર આગામી નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચની વિગતો રજૂ કરે છે. બજેટનો હેતુ સરકારની પ્રાથમિકતાઓ અને નીતિઓ વ્યાખ્યાયિત કરવાનો છે. બજેટ ફક્ત નાણાકીય દસ્તાવેજ નથી, પરંતુ તે સરકારની પ્રાથમિકતાઓ, આર્થિક નીતિઓ અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણનું પ્રતિબિંબ પણ છે. ભારતમાં 1947 થી 2018 સુધી બજેટ લાલ બ્રીફકેસમાં રજૂ કરવામાં આવતું હતું. બજેટ રજુઆતમાં લાલ બ્રીફકેસનો ઉપયોગ વસાહતી યુગની પરંપરાનો એક ભાગ હતો. વર્ષ 2019 માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વસાહતી પરંપરાનો અંત લાવ્યો અને ’વહી ખાતા’ ના રૂપમાં બજેટ રજૂ કર્યું.
- Advertisement -
હિસાબી પદ્ધતિ અપનાવવાનો હેતુ ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રાથમિકતા આપવાનો હતો. સાથોસાથ, તે વસાહતી(કોલોનિયલ) પ્રતીકોથી દૂર જવા અને સ્વદેશીતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હતો. વહી ખાતા એ પરંપરાગત ભારતીય એકાઉન્ટિંગ સિસ્ટમનો એક ભાગ છે. તેથી બજેટને ભારતીય પરંપરાઓ સાથે જોડતા, એવું કહેવામાં આવ્યું કે તે સરળતા અને પારદર્શિતાનું પ્રતીક છે વહી ખાતા પદ્ધતિ સ્થાનિક અર્થતંત્ર અને ગામડાઓની પરંપરાઓ સાથે સુમેળ ધરાવે છે. સરકાર અને ભારતીયતાની પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટેનું એક માધ્યમ તરીકે તેનું વર્ણન કર્યું છે. રાજકીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ ખાતાવહીનો ઉપયોગ વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીય ઓળખ અને ગૌરવ દર્શાવવાનો પ્રયાસ છે.ભારતમાં, બજેટ છાપવા માટે મોકલવામાં આવે તે પહેલાં નાણા મંત્રાલયમાં હલવો ખાવાની વિધિ કરવામાં આવે છે. આ સમારોહ પછી, બજેટ રજૂ થાય ત્યાં સુધી, નાણાં મંત્રાલયના સંબંધિત અધિકારીઓ કોઈના સંપર્કમાં રહેતા નથી અને તેમને તેમના પરિવારોથી દૂર નાણાં મંત્રાલયમાં રહેવું પડે છે. મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં મહત્તમ દસ વખત બજેટ રજૂ કર્યું છે. તેઓ એકમાત્ર મંત્રી છે જેમણે પોતાના જન્મદિવસ પર બજેટ રજૂ કર્યું હતું. બજેટ શબ્દ ભલે નવો હોય પણ અર્થવ્યવસ્થાનાં સુગ્રથિત સંચાલનની પરંપરા આપણે ત્યાં પ્રાચીન કાળથી રહી છે. પ્રાચીન શાસ્ત્રો મનુસ્મૃતિ, શુક્રનીતિ, બૃહસ્પતિ સંહિતા અને મહાભારતમાં પણ બજેટનો ઉલ્લેખ છે. મહાભારતના શાંતિ પર્વના 58મા અને 59મા અધ્યાયમાં પણ આ વિશે માહિતી આપવામાં આવી છે.
પ્રાચીન ગ્રંથોમાં દર્શાવાયું છે કે , દેવતાઓના ખજાનચી કુબેર ભગવાન હતા. તેઓ જ લશ્કરી અને રાજ્ય ખર્ચનું સંચાલન કરતા હતા. ભારતમાં પ્રાચીન કાળથી કર વ્યવસ્થા હતી. અને રાજ્યને મળેલ કરનો ઉપયોગ લશ્કરી ક્ષમતા વધારવા અને જનતાના કલ્યાણ માટે કરવાની પણ જોગવાઈ છે. વૈદિક કાળ તેમજ આ વ્યવસ્થા રામાયણ અને મહાભારત કાળ સુધી ચાલુ રહી. તે સમયમાં, આ વ્યવસ્થાનું સંચાલન કરનાર વ્યક્તિને ’પણી’ કહેવામાં આવતું હતું. ચલણની વાત કરીએ તો, ફૂટી કૌડીથી, કોડી, દમડી, પાઇ, પૈસો, આનો અને રૂપિયો. પરંતુ તે પહેલાં પ્રાચીન ભારતમાં સોનું, ચાંદી, તાંબુ અને મિશ્ર ધાતુ નાણાકીય ચલણમાં હતા. આ પછી, કૌટિલ્યએ તેમના અર્થશાસ્ત્રમાં બજેટ પ્રણાલીનો ઉલ્લેખ કર્યો છે. આ અર્થશાસ્ત્રમાં આપણને મૌર્ય વંશના સમયની રાજકીય વ્યવસ્થા વિશે માહિતી મળે છે. તે સમયગાળામાં, જાળવણી, ભવિષ્યની તૈયારીઓ અને હિસાબના લેખા-જોખા વર્તમાન બજેટની જેમ રજૂ કરવામાં આવતા હતા. તે સમયે, જે કાર્યો પ્રગતિમાં હતા તેને ’કર્ણીય’ કહેવામાં આવતું હતું અને જે કાર્યો પૂર્ણ થયા હતા તેને ’સિદ્ધમ’ કહેવામાં આવતું હતું. અબફ્ઢબળધળઠળૃ બફ્ઢક્ષફિફષઞિ ફરુષટરુમમઢૃણિ મૈથ્શ્ર્ન્રૂ ટર્ઠિી પ્રુટક્ષળડણિ ખ। કૌટિલ્ય. એનો અર્થ એ છે કે જે મેળવવાનું બાકી છે તેને પ્રાપ્ત કરવું, જે મેળવ્યું છે તેને સાચવવું અને જે સાચવવામાં આવ્યું છે તેનું સમાનતાના આધારે વિતરણ કરવું. વિક્રમાદિત્ય અને રાજા હર્ષવર્ધનના સમય સુધી, વિવિધ પ્રદેશોમાં નાણાકીય વ્યવસ્થા અલગ અલગ રીતે ચલાવવામાં આવતી હતી. અવંતિકા જિલ્લાના મહાન રાજા વિક્રમાદિત્યએ નવરત્ન રાખવાની પરંપરા શરૂ કરી હતી. આ પરંપરા ઘણા રાજાઓએ અનુસરી હતી. દક્ષિણ ભારતના મહાન સમ્રાટ, અષ્ટ દિગ્ગજ કૃષ્ણદેવ રાયના દરબારમાં આઠ મહાપુરુષો હતા. આ ઉપરાંત, ભોજ અને ચોલ રાજાઓના સમયમાં પણ એક નાણા વિભાગ હતો. સિંધુ ખીણની સભ્યતામાં મળેલાં સિક્કાઓ દર્શાવે છે કે ત્યાં વિનિમય ઉપરાંત, નાણાકીય વ્યવહાર પણ થતો હતો. તે સમયમાં પણ, એક નાણા વિભાગ હતો જે રાજ્ય પાસેથી કર અને બહારના લોકો પાસેથી કસ્ટમ ડ્યુટી વસૂલતો હતો. આ બધી ચલણો અથવા વસ્તુઓ રાજ્યના તિજોરીમાં જમા કરવામાં આવી હતી. સિંધુ ખીણનો સમાજ મૂળભૂત રીતે વેપાર આધારિત સમાજ હતો અને તેમનો વેપાર નદીઓમાં હોડીઓ અને સમુદ્રમાં વહાણો દ્વારા થતો હતો. તેથી, તે સમયગાળામાં ચલણનું ખૂબ મહત્વ હતું. સોના, તાંબા, ચાંદી અને લોખંડના સિક્કા ઉપરાંત, એવું કહેવાય છે કે ગાયો પણ ચલણમાં હતી.
આપણે સ્વતંત્ર ભારત પહેલાના સમયગાળાની વાત કરીએ, તો આધુનિક ઇતિહાસમાં અકબરનું શાસન આ બાબતે મહત્વનું રહ્યું છે. અકબરના નવ રત્નોમાંથી એક, રાજા ટોડરમલને બિનસત્તાવાર રીતે પ્રથમ નાણામંત્રી કહેવામાં આવે છે. તે સમયમાં કેલેન્ડર અલગ હતા, પરંતુ આજની જેમ, તે સમયે પણ વર્ષના આવક અને ખર્ચના હિસાબ જાહેર દરબારમાં રાખવામાં આવતા હતા. આવા જ એક દરબારમાં, અકબરના શાસનકાળના નાણામંત્રી રાજા ટોડરમલ જમીન સુધારણા કાર્યક્રમ લાવ્યા હતા. સદીઓથી, અનાજનું ઉત્પાદન આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યું છે. જમીન માપવાની પહેલ ટોડરમલે કરી હતી. મહેસૂલ અને કરવેરાની નવી પદ્ધતિઓના પરિચયને કારણે જમીન અને પાક માપવાની જરૂરિયાત ઊભી થઈ. ટોડરમલે મહેસૂલની એક નવી પદ્ધતિ શોધી કાઢી હતી જે ’ઝબ્ત’ અથવા ’દહશાલા’ તરીકે જાણીતી હતી. આ અંતર્ગત, છેલ્લા દસ વર્ષની સરેરાશ પાક ઉપજ અને તેની કિંમતની ગણતરી કરવાવામાં આવતી અને આ આધારે, દરેક પાકની કિંમત અગાઉથી નક્કી કરવામાં આવતી હતી, જેનો ચોથો ભાગ કર તરીકે ચૂકવવાનો હતો. જ્યારે જાહેર હિસાબની ચર્ચા થાય છે, ત્યારે શેરશાહ સુરીનું નામ પણ યાદ આવે છે. 1538થી 1545 સુધી ઉત્તર ભારતમાં સૂરી સામ્રાજ્યનું પ્રભુત્વ રહ્યું. અકબર પહેલા, રાજા ટોડરમલે શેરશાહ સૂરીના શાસનકાળ દરમિયાન પોતાની પ્રતિભા દર્શાવી હતી. દહશાલાની રૂપરેખા પણ શેરશાહ સૂરીના સમયમાં તૈયાર કરવામાં આવી હતી. જે અકબરના સમયમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. શેરશાહ સૂરીનો યુગ વિનિમયને બદલે રોકડ વ્યવહારોની રજૂઆત માટે પણ પ્રખ્યાત છે. રૂપિયો પણ સુરીનું યોગદાન છે. પહેલાં ’રૂપિયા’ શબ્દનો ઉપયોગ કોઈપણ પ્રકારના ચાંદીના સિક્કા માટે થતો હતો. પરંતુ સૂરી સામ્રાજ્ય દરમિયાન, 11.53 ગ્રામ વજનના ચાંદીના સિક્કા માટે રૂપિયાનો ઉપયોગ થવા લાગ્યો. સૂરી શાસન દરમિયાન મોહુર (169 ગ્રેન) નામના સોનાના સિક્કા અને પૈસા નામના તાંબાના સિક્કા પણ છાપવામાં આવ્યા હતા. ત્યારબાદ મુઘલોએ પણ સૂરી સામ્રાજ્યની સમાન સિક્કા પ્રણાલી ચાલુ રાખી. બ્રિટિશ શાસન પહેલા પણ ભારતમાં સંરક્ષણ બાબતો પર મહત્તમ ખર્ચની જોગવાઈ હતી. શેરશાહ સુરીથી લઈને અકબર અને તેનાથી આગળ, બજેટનો ચાલીસેક ટકા ભાગ સંરક્ષણ માટે ફાળવવામાં આવતો હતો. ભારતની સ્વતંત્રતા પછી પણ આ વલણ લાંબા સમય સુધી ચાલુ રહ્યું.1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે ૠઉઙના 1.59% સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યા હતા. પરંતુ આ યુદ્ધના મારનો સામનો કર્યા પછી, આગામી 30 વર્ષ સુધી જીડીપીના 3 ટકા સંરક્ષણ ક્ષેત્રને આપવામાં આવતા રહ્યા. ભાગલાને કારણે સર્જાયેલા પ્રચંડ માનવતાવાદી સંકટનો આર્થિક બોજ નવેમ્બર 1947માં આર.કે ષણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરાયેલા સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં સ્પષ્ટ દેખાતો હતો. શરણાર્થીઓના પુનર્વસનમાં સંરક્ષણ દળોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશ પાકિસ્તાન સાથે લશ્કરી સંઘર્ષ પણ ચાલી રહ્યો હતો. પરિણામે, કુલ ખર્ચના અધધ… 47% જેટલો હિસ્સો સંરક્ષણ માટે રાખવામાં આવ્યો. રાજકોષીય ખાધ ખર્ચના 21% હતી. પહેલા બજેટમાં સરકારની આવકના 80% થી વધુ કરવેરામાંથી મેળવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આજે, સંરક્ષણ પરનો ખર્ચ ઘટીને 13% થઈ ગયો છે.