લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આગામી નાણાકીય વર્ષને લઈને બજેટ તૈયાર કર્યું છે. બજેટ 31મીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવા માટે પદાધિકારીઓ પાસે સમય માગ્યો છે. ત્યારબાદ એક સપ્તાહ સુધી કમિટી તેનો અભ્યાસ કરશે અને તેમાં સુધારા સૂચવશે. રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી રૂપકડા અને સ્વપ્નોના મહેલ બાંધવા સમક્ષ પ્રોજેક્ટ જાહેર થતા આવ્યા છે. જોકે તે હજુ બજેટની જાહેરાતમાંથી પણ બહાર આવ્યા નથી. એવામાં રાજકોટમાં બ્રિજ અને આવાસના કામ શરૂ થતા મનપાની તમામ તાકાત ત્યાં જ વપરાઈ જતી હતી.
જેને લઈને પૂર્વ કમિશનર અમિત અરોરાએ હયાત અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા પર ભાર મૂકી વધારાની જાહેરાત કરવાને બદલે પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવા પર ભાર મૂકવા બજેટ તૈયાર કર્યુ હતું. જ્યારે આ વર્ષે આનંદ પટેલ તેના કરતા પણ આગળ વિચારીને નવા અને જૂના બંને વિસ્તારોના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે બાબતને કેન્દ્રમાં રાખીને બજેટને તૈયાર કર્યું છે અને રૂપકડા અને પૂરા ન થાય તેવા પ્રોજેક્ટથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે.
જોકે આ બજેટ તૈયાર થઈ ગયા બાદ મનપાના પદાધિકારીઓ તેના પર એક સપ્તાહ સુધી અભ્યાસ કરશે અને બાદમાં પદાધિકારીઓ કોઇ નવી જાહેરાત કરશે જેથી તેઓનું પણ બજેટમાં પ્રદાન જળવાઈ રહે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જૂની પદ્ધતિ પણ અપનાવાશે જેમ કે કમિશનર બજેટમાં દરમાં વધારો સૂચવે અને કમિટી તેનો ઈનકાર કરી આપે. આ પહેલાના બજેટમાં કર વધારો સૂચવાયો હતો તેને સદંતર રદ કરવાને બદલે તેમાં સુધારો કરીને પણ પદાધિકારીઓએ મંજૂરી આપી દીધી હતી તેથી આ વખતે કરમાં કોઇપણ પ્રકારનો વધારો આવે તેવી શક્યતા ઓછી છે.