બજેટમાં માળખાગત સુવિધા અને જનહિતના પ્રશ્ર્નો અવગણાયાના કોંગ્રેસનો આરોપ
શહેરના પ્રશ્ર્નો યથાવત, રાહત માત્ર નામની : લોલીપોપ બજેટથી પ્રજાને ભ્રમિત કરવાનો પ્રયાસ
- Advertisement -
10 કરોડના ખર્ચે રેસકોર્સના નવીનીકરણના નામે ફરી એકવાર મળતિયાઓને ફાયદો કરાવવાની પેરવી
રૂ. 5,000 સુધીની વ્યાજ માફી એ મધ્યમ વર્ગ સાથે મજાક, વ્યાજ માફી અને વેરાના દરમાં ઘટાડાની માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વગોવ્યું છે. તેમણે આ બજેટને ’સફેદ હાથી’ સમાન અને સામાન્ય જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ગણાવ્યો છે. ડો. રાજદીપસિંહ જાડેજાએ મુખ્ય મુદ્દાઓ પર શાસક પક્ષને આડે હાથ લીધો છે. માત્ર કાગળ પરની યોજનાઓ, સ્ટેન્ડિંગ કમિટીએ 23 નવી યોજનાઓની જાહેરાત કરી છે, પરંતુ ભૂતકાળના બજેટમાં પણ આવી અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. 10 કરોડના ખર્ચે રેસકોર્સના નવીનીકરણના નામે ફરી એકવાર કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓને ફાયદો કરાવવાની પેરવી છે. તેમજ વ્યાજ માફીની યોજના એક ’છેતરામણી’ છે. રૂ. 5,000 સુધીની વ્યાજ માફી એ મધ્યમ વર્ગ સાથે મજાક છે. એક બાજુ મોંઘવારીમાં પીસાતી જનતા પાસેથી મિલકત વેરો અને પાણી વેરો ઉઘરાવવામાં આવે છે અને બીજી બાજુ નજીવી રાહત આપીને વાહ-વાહી લૂંટવામાં આવે છે. કોંગ્રેસની માંગ છે કે સંપૂર્ણ વ્યાજ માફી અને વેરાના દરમાં ઘટાડો કરવો જોઈએ.
ગેમઝોન અને કેફેટેરિયાના નામે જનતાની સુરક્ષા સાથે ચેડાં સમાન છે. નાનામવા બ્રિજ નીચે ઙઙઙ ધોરણે ગેમઝોન બનાવવાની દરખાસ્તનો વિરોધ કરતા ડો. જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉના કિસ્સાઓ જોતા ભાજપ સરકાર જનતાની સુરક્ષા કરતા કમાણી પર વધુ ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત મહિલા પાસમાં પણ ભેદભાવ જોવા મળી રહ્યો છે. વાર્ષિક રૂ. 1,000માં પાસ આપવાની જાહેરાત આવકાર્ય લાગે પણ તે સીમિત શરતો સાથે લાવીને મહિલાઓને ભ્રમિત કરવામાં આવી રહી છે. હકીકતમાં મહિલાઓને મફત મુસાફરીનો લાભ આપવાની કોંગ્રેસની વિચારધારા સામે ભાજપ વેપાર કરી રહી છે. માળખાગત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નવા બ્રિજ માટે સર્વેના નામે ખર્ચ કરવાને બદલે હાલના ખાડાબદ્ધ રસ્તાઓ, પીવાના શુદ્ધ પાણીની અછત અને ડ્રેનેજની ગંભીર સમસ્યાઓ ઉકેલવામાં આ બજેટ સાવ નિષ્ફળ નીવડ્યું છે. ડો. રાજદીપસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતા ટેક્સ ભરે છે પરંતુ બદલામાં તેમને માત્ર લોલીપોપ જ મળે છે. લોકોના રોજિંદા પ્રશ્નો છે એમાં રાજકોટ મહાનગરપાલિકા ધ્યાન આપી શકતી નથી અને સુવિધાઓ જે ખરેખર પુરી પાડવી જોઈએ એ પૂરી પાડી શકતી નથી રાજકોટ મહાનગરપાલિકાએ વાસ્તવિકતામાં પ્રજાલક્ષી પ્રાથમિકતા અને સુવિધા વાળું બજેટ આપવું જોઈએ નહીં કે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ભરાય તેવું બજેટ.



