ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર નજીક નેશનલ હાઇવે પર રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી બે આરોપી સાળો – બનેવી દારૂની 120 બોટલ સાથે ઝડપી લીધા હતા. જેતપુરનો સાહીલ ઉર્ફે જીણો અને આશિષ ઉર્ફે બદામ સ્વીફ્ટ કારમાં જથ્થો ભરી નીકળ્યા હતા. દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસનો ધમધામાટ શરૂ કરાયો છે. 3.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે. પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેસ શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે અન્વયે રાજકોટ એલ.સી.બી. પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને સંયુક્ત બાતમી મળી હતી. જે હકિકત આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે મોટા ગુંદાળા ગામ પાસે વોચ ગોઠવી હતી.ત્યારે બાતમી વાળી મારૂતી સ્વીફટ કાર પસાર થતા તેને અટકાવી ઝડતી લેતા કારમાંથી રૂ. 72000ની કિંમતની દારૂની 120 બોટલ મળી હતી. કારમાં બે આરોપી સવાર હોય જે આશિષ ઉર્ફે પપ્પુ ઉર્ફે બાદામ ગોપાલ સોલંકી, અને સાહીલ ઉર્ફે જીણો રાજુ સરવૈયા (બન્ને રહે. જેતપુર ફુલવાડી) બંનેની પુછપરછ કરાતા આશિષ સાહીલનો બનેવી છે. બંને સાળા બનેવી આમ તો કારખાનામાં છુટક મજૂરી કરે છે પણ રૂપિયા કમાઈ લેવા દારૂની હેરાફેરી કરવાનું નક્કી કર્યું. પ્રથમ ટ્રીપમાં જ પોલીસ હાથે પકડાઈ ગયાની વાત કરે છે.