યુપીના શ્રમિક પરિવારમાં ઘેરો શોક : ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં સગા સાળા-બનેવીના કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગઈ હતી 12 વર્ષીય સાળો કાનમાં હેન્ડસફ્રી ભરાવીને જતો હોય તેને બચાવવા બનેવી જતાં આ કરુણાંતિકા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ ગુલાબનગરમાં રહેતાં મૂળ યુપીના ગોંડા જિલ્લાના વતની બાબુ હરિન્દર બંસરાજ સોનકર ઉ.12 ગત સાંજે બનેવી ઈન્દર ઉર્ફે અંગુ રામસવારે સોનકર ઉ.28 સાથે નજીકમાં જ આવેલ માલધારી ફાટક પાસે બેસવા ગયાં હતાં. ત્યારે બાબુ કાનમાં ઈયરફોન ભરાવી વાત કરતો કરતો ટ્રેનના પાટા ઓળંગતો હતો ત્યારે જ ટ્રેન ધસમસતી આવી પહોંચતા નજીકમાં જ રહેલ તેના બનેવી અંગુ તેને બચાવવા દોડી ગયો હતો. પરંતુ કમનસીબે બંને સાળો બનેવી ટ્રેનની હડફેટે ચડી જતાં કચડાઈ ગયાં હતાં નજીકમાં જ રહેતાં તેમના અન્ય સબંધીઓને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને 108ની ટીમે ઇન્દરને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બાબુને સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બંને મૃતદેહને પીએમમાં ખસેડયા હતાં મૃતક બાબુ મૃતક ઈન્દરનો સાળો થતો હતો અને બંને વર્ષોથી અહીં મજૂરીકામ કરતાં હતાં. બાબુ છ ભાઈ-બહેન હતા તેમજ ઈન્દર ઉર્ફે અંગુ ચાર ભાઈમાં મોટો અને સંતાનમાં ત્રણ પુત્રી છે જે તેમના વતનમાં રહે છે. ગઈકાલે સાંજે બંને સાળો બનેવી શાકભાજી લઈ આવી રસોઈ બનાવી હતી અને સાથે જ રેલવેના પાટા પાસે ગયાં હતાં અને કરુણાંતિકા સર્જાઇ હતી ત્રણ દિકરીઓએ પિતાનું છત્ર ગુમાવતાં પરપ્રાંતીય પરીવારમાં શોક વ્યાપી ગયો છે.



