યુગાન્ડામાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના અર્થે જરૂરી મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે તા. ૨૪ થી ૩૦ દરમ્યાન બિઝનેસ ડેલિગેશન રાજકોટ-અમદાવાદ આવશે
રાજકોટ – યુગાન્ડા હાઈ કમિશનર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કરવામાં આવેલ મુલાકાત અને પત્ર વ્યવહાર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના સહયોગથી યુગાન્ડામાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના અર્થે જરૂરી મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે ૩૦ સભ્યોનું ડેલિગેશન તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યન ગુજરાતની મુલાકાતે આવનાર હોવાનું વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ જણાવ્યું છે.
યુગાન્ડામાં ડેરી, આઈસ્ક્રીમ પ્લાન્ટ, ટીસ્યુ પેપર પ્લાન્ટ, મકાઈની મિલ, પશુ આહાર બનાવવાના પ્લાન્ટ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, ટોમેટો કેચ-અપ પ્લાન્ટ, એડિબલ ઓઈલ, ઓઈલ મિલ, સુગર કેન ફેક્ટરી, દવા સહિતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે જરૂરી મશીનરી અને સાધન સામગ્રી ખરીદી અર્થે આ ડેલિગેશન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત તેમજ બી. ટુ. બી. મીટ અર્થે રાજકોટ તેમજ અમદાવાદ પધારનાર છે.
- Advertisement -
પહેલા તબક્કામાં યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કૈઝાલ આ પૂર્વે રાજકોટ સહીત વિવિધ સ્થળે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવ્યા હતાં. બીજા તબક્કામાં 30 ઉદ્યોગપતિઓ સાથેનું ડેલિગેશન આવનાર હોઈ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગોને વેપારની ઉજળી તક હોવાનું પરાગ તેજુરાએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુગાન્ડા હાઈ કમિશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળી દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ માટે ગુજરાત પાસે તેમને અનેક અપેક્ષાઓ હોવાનું જણાવ્યું હતું.