બિલ્ડરો પ્રોજેકટના બાકી યુનિટોનું વેંચાણ કે પ્રચાર નહીં કરી શકે
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોનાં પ્રોજેકટ સામેલ
- Advertisement -
ત્રિમાસીક રિપોર્ટ અપડેટ કરવા, કમ્પલીશન પ્રક્રિયાના નિયમોનો ભંગ
નિયમોનો ઉલાળિયો કરતાં બિલ્ડરો સામે ‘ગુજરેરા’ની આકરી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.3
ગૂજરાત ભરનાં બિલ્ડરો-ડેવલપરોને ઝટકારૂપ કાર્યવાહીમાં ગુજરાત રેરા દ્વારા 1000 થી વધુ રીઅલ એસ્ટેટ પ્રોજેકટ સંલગ્ન બેંક ખાતાઓ ફ્રિઝ સ્થગીત કરી નાખ્યા છે. નિયમનોનો ભંગ કરવા બદલ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.1000 થી વધુ પ્રોજેકટોનાં બિલ્ડરોએ પ્રોજેકટ સંબંધી ત્રિમાસીક રીપોર્ટ આપ્યો ન હતો કે કમ્પલીશન પ્રક્રિયાનું અપડેટ દર્શાવ્યુ ન હતું અથવા તો સમય મર્યાદામાં વધારો માંગતી અરજી કરી હતી.
- Advertisement -
ગુજ રેરાના આ આકરા કદમથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોનાં પ્રોજેકટ ધરાવતા બિલ્ડરો બાકીના યુનિટોનું વેચાણ કે તેની વિજ્ઞાપન-પ્રચાર નહિં કરી શકે એટલુ જ નહિં પ્રોજેકટ પર ધિરાણ પણ નહીં મેળવી શકે.
ગુજરેરાનાં એક સીનીયર અધિકારીએ નામ નહિં દેવાની શરતે એમ જણાવ્યું હતું કે રેરા દ્વારા નિયત કરાયેલા પ્રોજેકટ કમ્પલીશનના નિયમોનું બિલ્ડરોએ પાલન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન વખતે દર્શાવાયા પ્રમાણે પ્રોજેકટ કમ્પલીશનની વિગતો અપડેટ કરવાની હોય છે.
નિયમ સમય મર્યાદામાં બિલ્ડરે પ્રોજેકટ પૂર્ણ કર્યો ન હોય તો મુદત વધારો માંગવા-મેળવવાનો હોય છે. ગુજરેરાનાં ધ્યાનમાં એવુ આવ્યું હતું કે 1000 થી વધુ પ્રોજેકટોનાં બિલ્ડરોએ નિયમોનું પાલન કર્યું નથી. પ્રોજેકટ પૂર્ણ કરવા વધુ સમય પણ માંગવામાં આવ્યો નથી. જેને પગલે આ તમામ પ્રોજેકટોનાં રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા છે.
ગુજરેરાનાં નિશાને આવેલા આ પ્રોજેકટો પૈકીનાં મોટાભાગનાં 2018-19 માં લોંચ થયા હતા અને ચાલુ વર્ષે 2024 ના જુન સુધીમાં પૂર્ણ કરવાનાં હતા. ગુજરેરા દ્વારા આ તમામ પ્રોજેકટોની વિગતો સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીને પણ આપી દીધી છે અને દરેક પ્રોજેકટનાં રેરા રજીસ્ટર્ડ બેંક ખાતા સ્થગીત કરવા સુચવ્યુ છે.
આ પ્રક્રિયાનો અર્થ એવો થાય છે કે બેંક ખાતા સ્થગીત થવાથી બિલ્ડરો રજીસ્ટર્ડ બેંક ખાતામાં નાણાં નહીં મેળવી શકે. પરીણામે પ્રોજેકટનાં બાકી યુનિટોનું વેંચાણ નહિં કરી શકે. આ ઉપરાંત તેઓનું રેરા રજીસ્ટ્રેશન પણ રદ થઈ જવાના સંજોગોમાં તેઓ વિજ્ઞાપન-પ્રચાર પણ નહિં કરી શકે. રસપ્રદ બાબત એ છે કે 1000 થી વધુના આ પ્રોજેકટો પૈકી ઘણા ખરા પુરા પણ થઈ ગયા છે અને ઘણા અંશે ગ્રાહકોને કબ્જો પણ સોંપી દેવાયો છે. છતાં મોટાભાગનાં કિસ્સામાં કમ્પલીશન સર્ટીફીકેટની પ્રક્રિયા પેન્ડીંગ છે. પરીણામે બિલ્ડરો ત્રિમાસીક રીપોર્ટનાં નિયમો અપડેટ કરી શકયા નથી.તેવો દાવો બિલ્ડર લોબીનાં સુત્રોએ કર્યો છે.