મારૂતી, હુન્ડાઈ, ટાટા મોટર્સના કારના વેચાણમાં ઘટાડો; હવે તહેવારોની ડીમાંડ પર મીટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સનું હોલસેલ વેચાણ સપ્ટેમ્બર મહિનામાં ઘટ્યું હતું. માંગમાં ઘટાડાને પગલે ડીલર્સની ઈન્વેન્ટરી વધતા કંપનીઓએ ડિસ્પેચ ઘટાડયું હતું. મારૂતિ સુઝુકી ઈન્ડિયાનું સ્થાનિક પેસેન્જર વ્હીકલનું હોલસેલ વેચાણ 4% ઘટીને 1,44,962 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 1,50,812 યુનિટ હતું. મિનિ કાર સેગમેન્ટ (અલ્ટો, એસ-પ્રેસો)માં વેચાણ સાધારણ વધીને 10,363 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 10,351 યુનિટ હતું. કોમ્પેક્ટ કાર સેગમેન્ટ (બલેનો, સિલેરિયો, ડિઝાયર, ઈગ્નિસ, સ્વિફ્ટ, વેગનઆર) માં વેચાણ ઘટીને 60,480 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 68,551 યુનિટ હતું. યુટિલિટીઝ સેગમેન્ટ (બ્રેઝા,અર્ટિગા, એસ-ક્રોસ, એક્સએલ6)માં વેચાણ 4% વધીને 61,549 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 59,272 યુનિટ હતું. હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાનું ડીલર્સને ડિસ્પેચ સપ્ટેમ્બરમાં 6% ઘટીને 51, 101 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 54,241 યુનિટ હતું. ટાટા મોટર્સનું ઈલેક્ટ્રિક વ્હીકલ સહિત કુલ પેસેન્જર વ્હીકલનું વેચાણ 8% ઘટીને 41,063 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 44,809 યુનિટ હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું એસયુવીનું વેચાણ 24 ટકા વધીને 51,062 યુનિટ થયું હતું. ટોયોટા કિર્લોસ્કર મોટરનું વેચાણ 14 ટકા વધીને 26,847 યુનિટ થયું હતું.
- Advertisement -
ગત વર્ષે આ ગાળામાં તેનું વેચાણ 23,590 યુનિટ હતું. જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયાનું વેચાણ 8 ટકા ઘટીને 4588 યુનિટ હતું. કિયા ઈન્ડિયાનું વેચાણ 17 ટકા વધીને 23,523 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 20,022 યુનિટ હતું. મારૂતિ સુઝુકી ઈન્ડિયાના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થો બેનરજીએ કહ્યું હતું કે ડીલર્સની ઈન્વેન્ટરીને ધ્યાનમાં લઈને ડિસ્પેચ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સિંગલ ડિજિટ ગ્રોથનો અંદાજ છે કારણ કે ગત વર્ષે માંગ ખાસ્સી વધી હતી જેને કારણે ઊંચો બેઝ હતો. આગામી દિવસોમાં તહેવારોની સિઝનમાં માંગ વધવાની અને બુકિંગ વધવાની સંભાવના છે.
ટુ વ્હીલરનું વેચાણ વધ્યું: ટુ વ્હીલર સેગમેન્ટમાં બજાજ ઓટોનું સ્થાનિક વેચાણ 23 ટકા વધીને 3,11,887 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 2,53,193 યુનિટ હતું. હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાનું હોલસેલ વેચાણ વઘીને 5,36,391 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 4,91,802 યુનિટ હતું.