જૂનાગઢથી કેશોદ હવાઈ માર્ગે હ્નદય સહિત 7 અંગો અમદાવાદ પહોંચ્યા
પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર રચીને અંગોને એરપોર્ટ સુધી લઇ ગયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢમાં રહેતા એક મહિલા બ્રેઇન્ડેડ થઇ જતા પરિવારે તેના અંગોનું દાન કરવા નિર્ણય લીધો હતો. અમદાવાદના તબીબોની ટીમે મહિલાના હૃદય, ફેફસા, લીવર, કિડની અને આંખને ઓપરેશન કરી કાઢી હતી. બાદમાં કેશોદ એરર્પો સુધી બે ગ્રીન કોરિડોર બનાવી ત્યાંથી વિમાન મારફત અમદાવાદ અને ગ્રીન કોરિડોર જૂનાગઢથી અમદાવાદ વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ હતુ. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના હરિઓમનગરમાં રહેતા શીલાબેન ઉમેશભાઇ ચાચડીયા પેરેલીસનો એટેકઆવ્યો હતો. જેને બેભાન હાલતમાં ઝાંઝરડા ચોકડી નજીક આવેલી રી-બર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન કરતા તેના મગજના ફંકશન ધીમે ધીમે બંધ થવા લાગ્યા હતા. તમામ સારવાર બાદ પણ શીલાબેનના મગજને કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. નિષ્ણાંત તબીબોના અભિપ્રાય બાદ શિલાબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ડો.આકાશ પટોળીયાએ શીલાબેનના બ્રેઇનડેડઅંગે જાણ કરી હતી. શીલાબેનના ભાઇને અગાઉ તેમના માતાએ કિડની આપી હતી. આથી તેઓ અંગદાન વિશે જાગૃત થતા. શિલાબેનના પરિવારે અંગદાન કરવા સહમતી આપી હતી.
બાદમાં ડો.આકાશ પટોળીયાએ અંગદાન અંગેની પ્રકિયા શરૂ કરી અમદાવાદ જાણ કરી હતી. અમદાવાદ તબીબોની ટીમે જૂનાગઢની હોસ્પિટલમાં આવી ઓપરેશન કરી શીલાબેનનું હૃદય, બંને ફેફસા, બંને કિડની, બંને આંખ અને લીવર કાઢયુ હતુ. ડોકટરે જણાવ્યુ હતુ કે હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ, કિડની અને લીવર આઇ.કે.ડી. હોસ્પિટલમાં અને ફેંફસા સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છ. આ હૃદય અને ફેંફસાને લઇ જવા માટે ઝાંઝરડા ચોકડીથી કેશોદ એરપોર્ટ સુધી પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ બંને અંગો કેશોદથી અમદાવાદ વિમાન માર્ગે પોંચાડવામાં આવ્યા હતા. કિડની અને લીવર આઇ.કે.ડી.હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જેના માટે જૂનાગઢથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. કુલ સાત અંગો માટે ત્રણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જુનાગઢના બ્રેઇડેડ મહિલાના અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ છે. અગાઉ પણ જૂનાગઢથી બે વખત અંગદાન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પણ ગ્રીન કોરિડોર મારફત કેશોદ એરપોર્ટ પરથી અંગોને અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.



