ખાસ-ખબર ન્યૂઝ સુરત
શ્રાવણ માસ અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના બજારમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ ધૂમ મચાવી રહી છે. ભારતીય સેનાના શૌર્ય અને ખાસ કરીને “ઓપરેશન સિંદૂર” માં પાકિસ્તાનના “છોતરા કાઢી નાખનાર” શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી “બ્રહ્મોસ રાખડી” લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર” શૌર્યનું પ્રતીક હતું. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલના સ્વરૂપને ચાંદી અને સોનામાં કંડારીને રાખડી બનાવવામાં આવી છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને રાખડીઓને બજેટ-ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઈલની રાખડી તિરંગાની દોરી સાથે જ હોવી જોઈએ તે હેતુથી દોરીની ડિઝાઈન તિરંગામાં રાખવામાં આવી છે. દીપક ચોકસીએ વધુમાં જણાવ્યું કે તેમના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને “નો લિમિટ” સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. બહેનના રક્ષાના પ્રતીકને વર્ષો વર્ષ જાળવી રાખવા માટે પેન્ડન્ટ ડિઝાઇનમાં પણ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.
- Advertisement -
બ્રહ્મોસ રાખડીની વિશેષતાઓ:
ડિઝાઇન અને ધાતુ: સુરતના જ્વેલર્સે બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓ સોના અને ચાંદીમાં તૈયાર કરી છે.
ચાંદીની રાખડી: લગભગ 10 ગ્રામ વજન ધરાવતી ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડીની કિંમત આશરે 2500 રૂપિયા છે.
સોનાની રાખડી: ખાસ 9 કેરેટ ગોલ્ડમાં તૈયાર થયેલી સોનાની રાખડીઓ 5 થી 6 ગ્રામ વજનમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 60,000 થી 80,000 રૂપિયા છે. આ રાખડીઓ લોકોના બજેટમાં સરળતાથી આવી શકે તે રીતે બનાવવામાં આવી છે.
તિરંગાની દોરી: આ રાખડીઓની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે, જે ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.