હત્યારા પ્રેમીએ યુવતીની બહેનને ફોન કરી કહ્યું, ‘મેં તારી બહેનને મારી નાખી’
હત્યાક્રમ: સવારે નવ વાગ્યે બંનેની હોટલમાં એન્ટ્રી, સાડા દસની આસપાસ રકઝક થતાં ટેપ પટ્ટીથી ગળું દબાવી પ્રેમિકાની હત્યા બાદમાં સાંજ સુધી તે જ રૂમમાં રહી હત્યારાપ્રેમીએ અન્ય યુવક પાસેથી એસીડ અને પાણીની બોટલ મગાવી આપઘાતનો પ્રયાસ કર્યો.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસીપી કક્ષાના અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક અને યુવતી છેલ્લાં બે વર્ષથી પ્રેમપ્રકરણમાં છે અને બંને વચ્ચે બોલાચાલી થતાં સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પ્રેમીએ પ્રેમિકાની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ હત્યારા પ્રેમીએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં હત્યારા પ્રેમી વિરૂદ્ધ મૃત્યુના બનાવ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરની યુવતી અને પોરબંદરનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે છેલ્લાં બે વર્ષથી પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે જેમિસે યુવતીના ગળે પ્લાસ્ટિકની ટેપ પટ્ટીથી ગળુ દબાવી હત્યા કરી હતી.
જેમિસ અને યુવતી ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. સાડા દસ વાગ્યાની આસપાસ બંને વચ્ચે રકઝક થતાં હત્યારા જેમિસે યુવતીનું ટેપ પટ્ટીથી ગળુ દબાવી મૃત્યુ નિપજાવ્યું હતું. ત્યારબાદ હત્યારો જેમિસ તે રૂમમાં સાંજ સુધી રહ્યો હતો અને અન્ય એક યુવક સાથે પાણીની બોટલ અને એસીડ મગાવ્યુ હતું. બાદમાં જેમિસે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં આ ઘટનાની જાણ હત્યારાએ તેના ભાઈને કરી હતી અને મૃતક યુવતીની પરિવારજનો જેમિસનો ફોનથી સંપર્ક સાધી રહ્યા હતા ત્યારે તે તેમના ફોન ઉપાડતો ન હતો બાદમાં મૃતક યુવતીની બહેને જેમિસને ફોન કર્યો ત્યારે જેમિસે ફોન ઉપાડી તેને આ ઘટનાક્રમ જણાવ્યો હતો. બાદમાં જેમિસનો ભાઈ નોવા હોટલ ખાતે પહોંચી જેમિસને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો.
- Advertisement -
હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે જેમિસને પાણીની બોટલ અને એસિડ પહોંચાડનાર વ્યક્તિની ધરપકડ કરી છે અને આરોપી જેમિસ વિરૂદ્ધ 302 સહિતની કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત હોટલમાં ઘૂસવા માટે જેમિસે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું છે. યુવતીના ઓરિજિનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી યુવતીને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ તપાસ હાથ ધરી છે.