– પરખ ભટ્ટ
સુશાંત સિંઘ રાજપૂતના કેસને લીધે હજુ ભારતીયો બોલિવૂડ પર ખફા છે. સલમાન ખાનના મોસ્ટ પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ-બોસ 14’ શરૂ થયાને હજુ માંડ અઠવાડિયું થયું છે, ત્યાં ટ્વિટર પર તેના વિરૂદ્ધમાં ‘બોયકોટ્ટ બિગ-બોસ 14’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. જોકે, આજ વખતે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સલમાન ખાનની ચેરિટી અને ઉદાર સ્વભાવના પણ વખાણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, કોરોનાને કારણે આવી પડેલી આર્થિક મંદીને લીધે બિગ-બોસ સાથે જોડાયેલી ટીમના કોઈ સભ્યનો પગાર ન કપાય અથવા એમને નોકરી પરથી કાઢી ન મૂકવામાં આવે એ માટે સલમાન ખાન કલર્સ ચેનલ પાસેથી ઓછી ફી વસૂલી રહ્યો છે. બિગ-બોસના સેટ પર પણ તે કામ કરતા લોકોને પોતાના ઘરના ખર્ચે સેનિટાઇઝર અને અન્ય ચીજ-વસ્તુઓની મદદ કરતો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ટ્રમ્પની પુન:વાપસી
ફક્ત ચાર દિવસમાં હોસ્પિટલમાંથી વ્હાઇટ હાઉસ પરત ફરી ગયેલાં કોરોના સંક્રમિત ટ્રમ્પ પર આખું વિશ્વ સવાલો ઉઠાવી રહ્યું છે. એક બાજુ વ્હાઇટ હાઉસ એવો દાવો કરે છે કે, ટ્રમ્પની નાજુક તબિયતને કારણે એમને બે વખત ઑક્સિજન આપવો પડ્યો હતો અને બીજી બાજુ ટ્રમ્પ કહે છે, ‘આઇ એમ ફિટ એન્ડ ફાઇન!’ સાચું શું? ખરેખર ટ્રમ્પ ફક્ત પબ્લિસિટી સ્ટન્ટ કરવા માટે કોરોના સંક્રમિત હોવાનું નાટક કરતાં હતાં? અમેરિકન ચૂંટણી આડે હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહી ગયો હોવાથી ટ્રમ્પ આવા ગતકડાં થકી શું સાબિત કરવા માંગે છે, એવો પ્રશ્ન સોશિયલ મીડિયા યુઝર્સ એમને પૂછી રહ્યા છે. માસ્ક ન પહેરવાની ડોનાલ્ડની ટ્રમ્પની ટેવને કારણે વ્હાઇટ હાઉસના 27 લોકો કોરોના સંક્રમિત છે!
બાબા કા ઢાબા!
આ અઠવાડિયે દિલ્હીના ‘બાબા કા ઢાબા’નો વીડિયો બહુ વાયરલ થયો. ‘યુટ્યુબ સ્વાદ ઑફિશિયલ’ નામના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક અકાઉન્ટના હેન્ડલરે દિલ્હીના માલવિયાનગરમાં જઈને ’બાબા કા ઢાબા’ નામની એક નાનકડી દુકાનનો વીડિયો શૂટ કર્યો. ‘બાબા કા ઢાબા’નું એ વૃદ્ધ દંપતિ અત્યંત ગરીબ. શરીર પણ સાવ કૃશ:કાય. દરરોજ દાળ-ભાત-શાક-રોટલીનું ભોજન બનાવીને ગ્રાહકોને પ્રેમથી પીરસે. વળી, ભોજનનો સ્વાદ તો એવો કે ભલભલી ફાઇવ સ્ટાર હોટેલના પકવાન પણ ફીક્કા લાગે! કોરોનાકાળમાં એમણે અત્યંત ગરીબી જોઈ. ઘરાકી સાવ ઘટી ગઈ. એક સમય એવો આવ્યો, જ્યારે એમને ભોજન બનાવવા માટેની સામગ્રી લેવા માટે પણ દેવું કરવું પડ્યું. આ વૃત્તાંત ‘યુટ્યુબ સ્વાદ ઑફિશિયલ’ ચેનલ પર અપલોડ થયો અને એ સાથે જ લાખો ભારતીયોએ એને શેર કરી ટોપ ટ્રેન્ડ્રિંગ બનાવી દીધો. ગણતરીના કલાકોની અંદર તો 80 વર્ષના એ વૃદ્ધ દંપતિ પાસે જઈને એમને પૈસાથી માંડીને દરેક પ્રકારની નાની-મોટી સહાય કરીને લોકોએ એમની ઝોળી છલકાવી દીધી. આ છે સોશિયલ મીડિયાની તાકાત!
નાટકબાજ
હાથરસ કાંડમાં રાજકીય રોટલા શેકવા માટે એકેય પાર્ટીએ કંઈ બાકી નથી રાખ્યું. કોંગ્રેસે તો ખાસ! દલિત પરિવારના બેલી થઈને આંદોલન કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કેમેરા સામે જે રીતે જમીન પર પડવનું નાટક કર્યુ, એ જોઈને આખો દેશ પેટ પકડીને હસ્યો છે. આ ઉંમરે હવે રાહુલ ગાંધીને આવી બધી હરકતો શોભે છે ખરી? લોકો સાવ સાચું કહે છે કે, જ્યાં સુધી કોંગ્રેસ ગાંધીમુક્ત નહીં થાય ત્યાં સુધી દેશને સશક્ત વિપક્ષ મળવો સંભવ નથી.
- Advertisement -
મિસ્ટર વાઇસ પ્રેસિડન્ટ, હું હજી બોલી રહી છું!
અમેરિકન ચૂંટણીના સંદર્ભે આ અઠવાડિયે ડેમોક્રેટ પાર્ટીની વાઇસ પ્રેસિડન્ટ ઉમેદવાર કમલા હારિસ અને રિપબ્લિકન પાર્ટી તરફથી હાલના અમેરિકન વાઇસ-પ્રેસિડન્ટ માઇક પેન્સ વચ્ચે ડિબેટ યોજવામાં આવી. બે-ત્રણ બાબતોના કારણે એમની આ ચર્ચા આખું અઠવાડિયું સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. ડિબેટનો સામાન્ય નિયમ એ છે કે પ્રતિસ્પર્ધી પોતાની વાત રજૂ કરતો હોય ત્યારે શાંત ચિત્તે એની વાત સાંભળી, પોતાનો વારો આવે એની રાહ જોવી. પરંતુ માઇક પેન્સે સેનેટર કમલા હારિસને એટલી બધી વખત ટોક્યા કે, કંટાળીને કમલાએ કહી દેવું પડ્યું, ‘મિસ્ટર વાઇસ પ્રેસિડન્ટ, આઇ એમ સ્પીકિંગ!’ (‘એટલે મૂંગા રહો તો સારું!’ એવું મનમાં સમજી લેવાનું.) બીજું એ કે, માઇક પેન્સને પૂછવામાં આવતાં અઘરા સવાલોના જવાબ આપવાને બદલે તેઓ વાતનો મુદ્દો જ બદલી નાંખતાં હતાં. ત્રીજી વાત એ કે, ભાષણ દરમિયાન એમના માથા પર બેઠેલી માખી પણ ટ્વિટર પર ઘણા દિવસો સુધી વાયરલ થઈ.
એરક્રાફ્ટનો બફાટ
આપણા દેશની સૌથી મોટે કમનસીબી એ છે કે કશુંક જોયા-જાણ્યા-વિચાર્યા કે વાંચ્યા વગર દેશવાસીઓ અભિપ્રાયો બાંધી લે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8400 કરોડનું એરક્રાફ્ટ ‘એર ઇન્ડિયા વન’ ભારતભૂમિ પર લેન્ડ થયું એ વખતથી સોશિયલ મીડિયા પર કાગારોળ શરૂ થઈ ગઈ. ‘કોરોનાકાળમાં આટલું મોંઘુ પ્લેન તે કંઈ લવાતું હશે?’, ‘અર્થતંત્ર ખાડે ગયું છે ને વડાપ્રધાન પ્લેનો ખરીદે છે!’ વગેરે વગેરે ટિપ્પણીઓ સામે આવવા લાગી. અરે સાહેબ, હકીકત તો એ છે કે, એરક્રાફ્ટની ડીલ તો વાસ્તવમાં કોંગ્રેસકાળ એટલે કે 2011ની સાલમાં જ શરૂ થઈ હતી, પણ વાટાઘાટોના અભાવે નિષ્કર્ષ સુધી નહોતી પહોંચી. આજે ‘એર ઇન્ડિયા વન’ વિમાન લાવ્યા ભલે મોદીસાહેબ હોય, પરંતુ આવનારા દશકાઓના કેટકેટલા વડાપ્રધાન એનો ઉપયોગ કરી શકશે એની તમને જાણ છે? આ વિમાન નરેન્દ્ર મોદીએ પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે નથી ખરીદ્યું.